કર્ણાટકમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર મોદીએ જારી રાખ્યો

કર્ણાટકમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર મોદીએ જારી રાખ્યો
કોંગ્રેસે જવાનો અને ખેડૂતોને ખુબ અપમાનિત કર્યા : મોદી
કોંગ્રેસના વર્તનને તમામ લોકો ઓળખી ગયા છે જેથી છેલ્લા ૪ વર્ષમાં જ્યાં પણ ચૂંટણી યોજાઈ છે ત્યાં હાર થઇ છે : ભાજપ પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે

બેંગ્લુરુ-કલબુર્ગી,તા. ૩
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારને વધુ તીવ્ર બનાવી દેતા હવે રાજકીય ઘમસાણની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની ઝંઝાવતી શરૂઆત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવખતમાં ત્રણ અને આજે બીજી ત્રણ રેલીઓ કરીને ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. મોદીએ આજે પણ આક્રમકરીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. મોદીએ આજે કલબુર્ગી, બેંગલુરુમાં આક્રમક પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી ઉપર જુદા જુદા વિષયોને લઇને પ્રહારો કર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોની સ્થિતિ નબળી કરી દીધી છે. કર્ણાટક ચૂંટણીના પ્રચારના દોર વચ્ચે
મોદી સૌથી પહેલા કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધવા પહોંચ્યા હતા. મોદીએ અહીં કન્નડ ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર જવાનો અને ખેડૂતોનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં પણ ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં દેશના દરેક રાજ્યમાં જ્યાં પણ ચૂંટણી થઇ છે ત્યાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ છે. લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી આવે છે અને જાય છે. આરોપો અને પ્રત્યારોપો પણ લાગતા રહે છે પરંતુ સરકાર બદલવા માટેનો જે ઉત્સાહ કર્ણાટકમાં જોવા મળી રહ્યો છે તે અભૂતપૂર્વ રહ્યો છે. વડાપ્રદાને કહ્યું હતુ ંકે, દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના કલબુર્ગી સાથે સીધા સંબંધો હતો. સરદાર પટેલે અહીંના નવાબને ભારતની સાથે આવવા ફરજ પાડી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી સરદાર પટેલનું નામ સાંભળતા જ હેરાન પરેશાન થઇ જાય છે. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ માટે સરદાર પ્રત્યે તિરસ્કાર કોઇ નવી બાબત નથી. દેશના શહીદો અને દેશભક્તો પ્રત્યે તિરસ્કારની ભાવના રાખનાર કોંગ્રેસ પાર્ટી સ્વભાવથી પરેશાન છે. એક પરિવારની ગાડી સરળતાથી ચાલી શકે તે માટે આ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા જવાનોએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ખુબ જ કમનસીબરીતે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા. કોંગ્રેસના સૌથી મોટા નેતા સભામાં વંદેમાતરમનું અપમાન કરે છે ત્યારે દેશ પ્રત્યે સકારાત્મક ભાવના તેમના ઉપર રહે તે વાત માનવાનું કારણ નથી. ૧૯૪૮માં કર્ણાટકના રહેનાર જનરલ થીમૈયાના નેતૃત્વમાં સેનાએ યુદ્ધ જીતી લીધું હતું પરંતુ આના માટે થીમૈયાને સન્માન મળવાની વાત તો દૂર રહી તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા. અમારા વર્તમાન સેના અધ્યક્ષને એક નેતા ગુંડા તરીકે ગણાવી ચુક્યા છે પરંતુ કોંગ્રેસે તેમની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. મોદીએ કહ્યું હતું કે, જય જવાન જય કિસાનનો નારો દેશની સેના અને ખેડૂતોને તાકાત આપે છે પરંતુ કોંગ્રેસે જવાનોનું પણ અપમાન કર્યું છે. કોંગ્રેસે સ્વામિનાથન કમિટિની ભલામણોને અદ્ધરતાલ કરી દીધી હતી. મલ્લિકાર્જુન ખડગે ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, દલિતોની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ ખડગેના નામ ઉપર વોટ માંગ્યા છે પરંતુ વોટ મળ્યા બાદ ખડગેનો કોઇ જગ્યા આપી ન હતી. મોદીએ કહ્યું હતુ ંકે, મલ્લિકાર્જુન ખડગેની સંપત્તિ કેટલી છે તે અંગે અંદાજો લગાવી શકાય છે. મોદીએ ઉમેર્યું હતું કે, આ પાર્ટીમાં કેટલાક પરિવારોની સંપત્તિમાં વધારો થયો છે. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ વધી છે. બીડરમાં દલિત પુત્રી સાથે જે કંઇ પણ બનાવ બન્યો તે સ્વીકારી લેવાઈ નહીં. દિલ્હીમાં કેન્ડલ માર્ચ યોજનાર કોંગ્રેસી નેતાઓને તેઓ પ્રશ્ન કરવા માંગે છે કે, જ્યાં બીડરમાં દલિત પુત્રી પર અત્યાચાર થયું ત્યારે કેન્ડલ લાઈટ ક્યાં ગઈ હતી.