કર્ણાટકમાં બસપાએ પણ અંતે ખાતુ ખોલ્યું : એક બેઠક જીતી

એન મહેશે કોલ્લેગલ્લા સીટ પર જીત મેળવી
કર્ણાટકમાં બસપાએ પણ અંતે ખાતુ ખોલ્યું : એક બેઠક જીતી
જેડીએસની સાથે મળીને ચૂંટણી લડતા નજીવી સફળતા

બેંગ્લોર, તા. ૧૫
ઉત્તરપ્રદેશમાં ખુબ જ કંગાળ દેખાવ કર્યા બાદ બહુજન સમાજ પાર્ટીએ કર્ણાટકમાં એક સીટ જીતી લીધી છે. કર્ણાટક ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ આખરે ખાતુ ખોલ્યું છે. બહુજન સમાજ પાર્ટી જેડીએસની સાથે મળીને ચૂંટણી લડી રહી હતી. માત્ર એક ઉમેદવારને આમા જીત મળી છે. જો કે, મત હિસ્સેદારીની દ્રષ્ટિએ આ પાર્ટી ચોથા નંબર ઉપર રહી છે. બહુજન સમાજ પાર્ટીના કર્ણાટક અધ્યક્ષ એમ મહેશે રાજ્યની કોલ્લેગલ્લા વિધાનસભા સીટ પર જીત મેળવી હતી. કોલ્લેગલ્લા સીટ એસસી ઉમેદવાર માટે રિઝર્વ રાખવામાં આવી હતી. કોલ્લેગલ્લા સીટ પર બસપ ઉમેદવાર મહેશને ૭૧૭૯૨ મત મળ્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના એઆર કૃષ્ણમૂર્તિને ૫૨૩૩૮ મત મળ્યા હતા. આ સીટ ઉપર ભાજપના જીએલ નંજુદાસ્વામીને ૩૯૬૯૦ મત મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે, અહીં કુલ ૧૯૩૨૯૩ મતદારો છે. બસપને રાજ્યમાં ૦.૩ ટકા મત મળ્યા છે. એટલે કે, ૧૦૬૮૦૬ મત મળ્યા છે. કોલ્લેગલ્લાના સંદર્ભમાં એક રોચક બાબત એ છે કે, અહીં ૧૯૮૯ બાદ કોઇપણ એક ઉમેદવાર બીજી વખત જીત્યા નથી.