કૈરાના-નૂરપુરમાં ઇવીએમ ખરાબ, રાજકારણ ગરમાયુ

કૈરાના-નૂરપુરમાં ઇવીએમ ખરાબ, રાજકારણ ગરમાયુ
આરએલડીના ઉમેદવાર તબરસ્સુમ હસને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી

યુપીમાં કૈરાના લોકસભા બેઠક અને નૂરપુર વિધાનસભા બઠક સહિત દેશમાં કુલ ૧૪ અલગ અલગ બેઠકો પર આજે સોમવારે પેટાચૂંટણી છે અને વોટિંગ શરુ છે. કૈરાનાની બેઠક રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ મહત્વની છે કેમ કે અહીં તમામ વિપક્ષ એક તરફ અને ભાજપ બીજી તરફ છે. આ બેઠકને જીતવા માટે તમામ પક્ષો જીતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે તેઓ નાનામાં નાની વાતનું ધ્યાનપૂર્વક નીરિક્ષણ કરી રહ્યા છે. એટલે જ કૈરાના અને નૂરપુરમાં અનેક પોલિંગ બુથ પર ઇવીએમમાં ખરાબીની અહેવાલ સાથે જ તમામ વિપક્ષ સક્રિય થઈ ગયો છે. આ બાબતે આરએલડીના ઉમેદવાર તબરસ્સુમ હસને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી છે.
હસેને ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, ‘મુસ્લીમ અને દલીત બહુસંખ્યક વિસ્તારોમાં ખરાબ મશિનને બદલવામાં નથી આવી રહ્યા.’ તેમણે શામલી, કૈરાના અને નૂરપુરના લગભગ ૧૭૫ પોલિગ સ્ટેશન પર ઇવીએમ અને વીવીપેટ મશિનમાં ખરાબી હોવાની ફરિયાદ નોંધાવી છે.’ તેમણે વધુ ગંભીર આરોપ મુકતા કહ્યું કે, ‘મને સતત ફરિયાદો મળી રહી છે. ભાજપે આશા જ નહીં કરી હોય કે રમઝાન મહિનામાં આટલી મોટી સંખ્યામાં મુસ્લીમ વોટ નાખવા જશે. શરુઆતથી જ આ તેમની રણનીતિ રહી હતી કે મુસ્લીમોને વોટિંગથી દૂર રાખવામાં આવે.’
હસનના જણાવ્યા મુજબ દલિત, મુસ્લિમ અને જાટના ગઢ ગણાતા વિસ્તારોમાંથી સતત ફરિયાદ મળી રહી છે. તો બીજી તરફ સમાજવાદી પક્ષે કહ્યું કે, ભાજપ ગોરખપુર અને ફૂલપુરમાં હારનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. માટે જ તેઓ ઇવીએમમાં છેડછાડ કરી શકે છે. તો બીજીબાજુ ચૂંટણી પંચે આરોપો અંગે તપાસ શરુ કરી દીધી છે. ફરિયાદના આધારે કૈરાનામાં ૩૧૨ જેટલા પોલિંગ બુથ પર ઇવીએમ બદલી આપવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર મૃગાંક સિંહએ કહ્યું કે, “હા, ઘણાં ઇવીએમ ખરાબ થઈ ગયા છે. આવું બ્રેકડાઉન ગંભીર મામલો છે, ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ગઠબંધન ઉમેદવારે કહ્યું કે ષડ્યંત્ર હેઠળ ઇવીએમ ખરાબ કરવામાં આવ્યા છે. જ્યાં-જ્યાં અમારા વધારે મત છે ત્યાં ઈવીએમ વધારે ખરાબ થયા છે. માટે ષડ્યંત્ર લાગી રહ્યું છે.”
એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્‌વીટ કર્યું છે. અખિલેશે લખ્યું છે કે, “શામલી, કૈરાના, ગંગોહ, નકુંડ, થાનાભવન અને નૂરપુરના લગભગ ૧૭૫ પોલિંગ બુથોથી ઇવીએમ-વીવીપેટ મશીન ખરાબ થવાની ફરિયાદ તાત્કાલિક સાંભળવામાં આવે.” તેમણે આગળ લખ્યું છે કે, “પેટાચૂંટણીમાં ઠેર-ઠેર ઈવીએમ ખરાબ થવાની ખબરો આવી રહી છે, છતાં મતાધિકાર માટે જરુર આવો અને તમારું કર્તવ્ય નિભાવો.” આ સાથે અખિલેશે ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને નવયુવાનો તડકામાં ભૂખ્યા તરસ્યા રાહ જોઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.આ તરફ એસપીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે, “નૂરપુરમાં ૧૪૦ ઈવીએમ મશીન ખરાબ થયાની ખબર આવી છે, કારણ કે તેની સાથે ગડબડ કરાઈ છે. આ તરફ કૈરાનામાંથી પણ ખબર આવી રહી છે. તે (ભાજપ) ફૂલપુર અને ગોરખપુરની હારનો બદલો લેવા માગે છે માટે કોઈ પણ કિંમતે અમને હરાવવા માગે છે.”
કૈરાનાથી આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસને પણ ભાજપને મશીન ખરાબ થવાની જવાબદારી ગણાવીને કહ્યું, “દરેક જગ્યાએ મશીન સાથે ગડબડી થઈ રહી છે. મુસ્લિમ અને દલિત વસ્તીવાળા વિસ્તારમાં ખરાબ મશીનોને બદલવામાં નથી આવી રહ્યા. તેઓ (ભાજપ) વિચારે છે કે કોઈ પણ રીતે ચૂંટણી જીતી શકાય છે પણ આવું નથી હોતું.” આ સિવાય સમાજવાદી પાર્ટીએ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર બન્ને ક્ષેત્રોની બૂથ સંખ્યા જારી કરીને ચૂંટણીપંચને કાર્યવાહી કરવા અને મતદાન સુચારું રીતે કરાવવાની વિનંતિ કરી છે.