ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિમાંથી રૂપાણી બહાર, નીતિન પટેલ અંદર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ના મળતા આગામી લોકસભા 2019 ચૂંટણીમાં ગુજરાતમાંથી ફરીવાર તમામ એટલે કે 26 બેઠકો પર વિજય મેળવવો ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણ છે. આથી ગુજરાત બીજેપીએ લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ કરીને ગુજરાત નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી ગુજરાતમાંથી લોકસભાની વધુમાં વધુ બેઠકો ભાજપને મળે તે માટેના પ્રયાસો કરવા હાઈકમાન્ડ દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. જેને પગલે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી. જેમાં 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી સમિતિમાં રૂપાણીને સ્થાન મળ્યું નથી, પણ નીતિન પટેલને રાખવામાં આવ્યા છે.

આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી છે. જ્યારે અન્ય 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બેજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.