જીએસટી તેમજ નોટબંધીથી અર્થતંત્રને ભારે નુકસાન થયું , કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મનમોહનસિંહ ઉતર્યા

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મનમોહનસિંહ ઉતર્યા
જીએસટી તેમજ નોટબંધીથી અર્થતંત્રને ભારે નુકસાન થયું
મોદી સરકારે ખોટીરીતે કઠોર નિર્ણયો અમલી કર્યા જેથી નાના તેમજ મધ્યમ ઉદ્યોગો ઠપ્પ થયા : બેરોજગારી વધી

બેંગ્લોર, તા. ૭
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી બાદ હવે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નરેન્દ્ર મોદી ઉપર આજે આકરા પ્રહારો કર્યા હતા. મનમોહનસિંહે કહ્યું હતું કે, મોદી જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેવી ભાષાનો ઉપયોગ અન્ય કોઇપણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, એક વડાપ્રધાનને આ પ્રકારની ભાષા શોભતી નથી. મોદી સતત સ્તરને ઘટાડી રહ્યા છે જે દેશ માટે સારી બાબત નથી. પીએનબીને ચૂનો લગાવીને ફરાર થઇ ચુકેલા હિરા કારોબારી નિરવ મોદીને લઇને મનમોહનસિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી નિરવ મોદીની વાત છે. ચોક્કસપણે કહી શકાય છે કે, ૨૦૧૫-૧૬માં તે ડિલ કરી રહ્યો હતો પરંતુ મોદી સરકારે કંઇ પણ કર્યું નથી. મનમોહનસિંહે કહ્યું હતું કે, જ્યારે મોદી દાવોસમાં હતા ત્યારે નિરવ મોદી કંપની પણ તેમની સાથે હતી. કેટલાક દિવસ બાદ જ તે દેશ છોડીને ફરાર થયો હતો. આ બાબત સંકેત આપે છે કે, મોદી સરકારે કયા પ્રકારનું કામ કર્યું છે. મનમોહનસિંહે નોટબંધી અને જીએસટી લાગૂ કરવાને લઇને પણ પ્રહાર કર્યા હતા. મોદી સરકારે ખોટીરીતે આ બંને નિર્ણયોને અમલી કર્યા હતા. ખોટી રીતે અમલી કરવામાં આવેલા જીએસટી અને નોટબંધીને ટાળવાની તક હતી. આ નિર્ણયોના લીધે અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધારે નુકસાન થયું છે. હજારો લોકોને પોતાની નોકરી ગુમાવી પડી છે. મોદી સરકારના ખરાબ આર્થિક આયોજન અને મેનેજમેન્ટના લીધે ધીમે ધીમે બેંકિંગ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં રોકડની કટોકટી પણ દેખાઈ રહી છે. ખોટા નિર્ણયના લીધે જ આ સમસ્યા સર્જાઈ છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની સામે મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર ન કરવાને લઇને મનમોહનસિંહે કહ્યું હતું કે, કપિલ સિબ્બલે મહાભિયોગ પ્રસ્તાવના મામલામાં ખુબ સારી મહેનત કરી હતી. તેઓ આ મામલામાં કોઇપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા ન હતા.
કર્ણાટકમાં મનમોહનસિંહે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કર્ણાટકમાં ખુબ સારી કામગીરી અદા કરી રહી છે. બીજી બાજુ ભાજપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મેના દિવસે મતદાન યોજાનાર છે અને ૧૫મીના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે.