તમાકુ નિયંત્રણ પર ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન હેઠળના પ્રોટોકોલમાં પ્રવેશને મંજુરી

તમાકુ નિયંત્રણ પર ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન હેઠળના પ્રોટોકોલમાં પ્રવેશને મંજુરી
પ્રોટોકોલની યાદીમાં ગુનો, એન્ફોર્સમેન્ટ માટેના પગલાં જેવા કે જપ્તી અને જપ્ત કરાયેલા માલના નિકાલનો સમાવેશ

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે તમાકુ પેદાશોના ગેરકાયદે વેપારને અટકાવવા તમાકુ નિયંત્રણ પર ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન હેઠળના પ્રોટોકોલમાં પ્રવેશને મંજુરી આપી હતી. જેમાં તમાકુ નિયંત્રણ પરના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફ્રેમવર્ક કન્વેન્શનના આર્ટીકલ ૧૫ હેઠળ સ્વીકારાયેલા તમાકુના ચાવવાના અને ધુમાડાવાળા કે ધુમાડા રહિત એમ બંને સ્વરૂપોનો સમાવેશ થાય છે.
ભારત આ ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કન્ટ્રોલમાં એક પક્ષ છે.આ પ્રોટોકોલનો અમલ કરવો તે તમામ પક્ષોનું કર્તવ્ય છે. તે મુજબ આ બાબતને અંકુશમાં લેવા માટે તેમાં સામેલ તમામ ઘટકોને પક્ષકારોએ સ્વિકારવાના હોય છે. જેમ કે તમાકુની પેદાશોના ઉત્પાદકોને પરવાના આપવા અને તમાકુની પેદાશોના ઉત્પાદન માટેની મશીનરી, ઉત્પાદનમાં સામેલ તમામ સામે ચાંપતી નજર રાખવી, તેમનો ટ્રેક રાખવો, રેકોર્ડ નોંધવા તથા સુરક્ષાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇ-કોમર્સ, ફ્રી ટ્રેડ ઝોન્સ અને ડ્યુટી ફ્રી વેચાણ સાથે સંકળાયેલા સામે પગલાં ભરવાનો પણ સમાવેશ થાય છે.પ્રોટોકોલની યાદીમાં ગુનો, એન્ફોર્સમેન્ટ માટેના પગલાં જેવા કે જપ્તી અને જપ્ત કરાયેલા માલના નિકાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે માહિતીની આપ-લે માટે આંતરરાષ્ટ્રીય સહકાર, ગુપ્તતા જાળવણી, તાલીમ, ટેકનિકલ સહાય અને સાયન્ટિફિક અને ટેકનિકલ તથા ટેકનોલોજીકલ બાબતોમાં સહકારની પણ હાકલ કરી છે.
મજબૂત કાયદા મારફતે તમાકુની પેદાશોમાં ગેરકાયદે વેપારને નાબુદ કરવાથી તમાકુ પરના વ્યાપક અંકુશને મજબૂત બનાવવામાં મદદ મળશે અને તેમ થતાં તમાકુના સેવનમાં ઘટાડો થશે જેને પરિણામે તમાકુથી થતા રોગોમાં ઘટાડો થશે અને તમાકુ સાથે સંકળાયેલા મૃત્યુમાં પણ ઘટાડો થશે.આ પ્રકારની સંધિથી તમાકુના દૂષણ સામે પગલા લેવાનો વિકલ્પ મળવાની સાથે જાહેર આરોગ્યને મહદઅંશે અસર કરતી પ્રણાલિ દૂર થશે. તમાકુ સામેના અંકુશમાં હંમેશાં અગ્રેસર રહેલું ભારત આ ગેરકાયદે વેપારને અંકુશમાં રાખવા વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોને મદદરૂપ થશે.
તમાકુની પેદાશના ગેરકાયદે વેપારને નાબુદ કરવા માટેના આ કાનૂન તમાકુની વિરુદ્ધમાં વૈશ્વિક ચળવળમાં સિમાચિહ્નરૂપ બની જશે અને જાહેર આરોગ્ય માટેનુ કાનૂની શસ્ત્ર પણ બની રહશે. તમાકુની પેદાશોના ગેરકાયદે વેપારનો સામનો કરવા માટે તથા અંતે તેને કાયમ માટે નાબૂદ કરવા માટે આ એક વ્યાપર શસ્ત્ર છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહકારના ક્ષેત્રે કાનૂની રીતે મજબૂતી પ્રદાન થશે.ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કન્ટ્રોલએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત જાહેર સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરતી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંધિ છે. એફસીટીસીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય, સ્થાનિક અને વૈશ્વિક સ્તરે તમાકુની માંગ અને તેના પુરવઠાને નિયંત્રિત કરવા માટેનું માળખું પૂરું પાડવાનો છે.તમાકુના પુરવઠાને ઘટાડવાની મુખ્ય ચાવી ડબલ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કન્ટ્રોલની કલમ ૧૫માં રહેલી છે જે તમાકુના ગેરકાયદેસર વેપાર અને ઉત્પાદનોના તમામ સ્વરૂપોને નાબૂદ કરવાની યોજના ધરાવે છે જેમાં દાણચોરી અને ગેરકાયેદસર ઉત્પાદનનો સમાવેશ થાય છે. એફસીટીસીની ગવર્નિંગ સંસ્થા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી) દ્વારા આ પ્રોટોકોલ વિકસાવવામાં અને સ્વીકારવામાં આવ્યો છે. આ પ્રોટોકોલ ૧૦ વિભાગ અને ૪૭ આર્ટિકલમાં વહેંચાયેલો છે.