પાણીના સ્ત્રોતોની જાળવણી અને યોગ્ય વ્યવસ્થાપન થકી જળસંચય ક્ષેત્રે ગુજરાત દેશને નવો રાહ ચિંધશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન-૨૦૧૮

પાણીના સ્ત્રોતોની જાળવણી અને યોગ્ય વ્યવસ્થાપન થકી જળસંચય ક્ષેત્રે ગુજરાત દેશને નવો રાહ ચિંધશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

  • પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે
  • પાણીના સ્રોતોની જાળવણીના યોગ્ય વ્યવસ્થાપનના પગલાઓ માટે જનભાગીદારી જરૂરી
  • જનશક્તિ થકી જળસંચયના મહાઅભિયાન રાજ્યનું ગૌરવપ્રદ અભિયાન

ગુજરાત સ્થાપના દિવસે જળસંચય મહાઅભિયાનમાં શ્રમદાન કરીને મહેસાણા જિલ્લાના લાંઘણજ, કુકરવાડા અને રંગાકુઇ ખાતેથી પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી

        નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, પાણીના સ્ત્રોતોની જાળવણી અને યોગ્ય વ્યવસ્થાપન થકી જળ સંચય ક્ષેત્રે ગુજરાત દેશને નવો રાહ ચિંધશે. જળસંચય માટે રાજ્ય સરકાર અને જનભાગીદારી થકી આયોજીત સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના માધ્યમ દ્વારા જળસંચય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી થશે. જેનો રાજ્યના લાખો નાગરિકો અને ખેડૂતોને  લાભ થશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે  મહેસાણા જિલ્લામાં લાંઘણજ, કુકરવાડા અને રંગાકુઇ ખાતે શ્રમદાન કરીને સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન-૧લી મે-૨૦૧૮થી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરાયું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરૂષાર્થથી રાજ્યમાં ચોમાસા પહેલાં જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના સ્થાપના દિવસે ગ્રામલક્ષી, ખેડુતલક્ષી અને પ્રજાલક્ષી ઉજવણી કરવાનું આયોજન રાજ્ય સરકારે જળસંચય અભિયાન થકી કર્યું છે. પાણી દરેક જીવ માટે જરૂરી છે જેથી રાજ્ય સરકારે રાજ્યની જનશકિતને જોડીને જળ બચાવવાના આ મહાઅભિયાનની શરૂઆત કરી છે.

      નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં ૨૦૯૦ જેટલા કામો થવાના છે. જેમાં લોકભાગીદારીથી, મનરેગા, ધામણી નદી પુન જીવીત કરવાની કામગીરી, પાણી પુરવઠા અને જળસંપત્તિ નિગમ દ્વારા એરવાલ્વના નિરીક્ષણની કામગીરી, નહેરોની મરામત જાળવણી, વન વિભાગ દ્વારા વન તલાવડી અને ચેકડેમ ડીસ્લીટીંગના અને નગરપાલિકા દ્વારા નહેરો, નદીઓની સફાઇ, વરસાદી પાણીના લાઇનની સફાઇના કામો હાથ ધરાશે.

        તેમણે ઉમેર્યું કે, કે જળ એ જીવનરક્ષા માટે ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ અભિયાનમાં રાજ્યનો પ્રત્યેક નાગરિક જોડાઇ પોતાનો સહયોગ આપે તે જરૂરી છે આ અભિયાન નદીઓના પટમાં રહેલાં ઝાડી ઝાંખરાને દૂર કરી નદીઓના માર્ગની સફાઇ કરવી, નદીઓના કાંઠાઓ ઉપર વૃક્ષારોપણ જેવી કામગીરી હાથ ધરાશે. આવનારા ચોમાસામાં વધુ જળ રાશિ ઉપલબ્ધ બનશે અને પીવાના પાણી માટે ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે જેનો લાભ નાગરિકોને મળશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.રાજ્ય સરકારે શરૂ કરેલ આ મહાઅભિયાન પ્રેરણારૂપ બની રહેવાનું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ યોજનાની સવિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, પોલીયો નાબુદી અભિયાનની જેમ આગામી ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદી અભિયાન હાથ ધરાયું છે જેમાં સરકાર દ્વારા ગંભીર ટીબીના એક દર્દી પાછળ રૂ.૧૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ પ્રસંગે ટીબીના દર્દીઓને સહાયના આદેશ સુ્પ્રત કરાયા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેરવા-વેડા-નારદીપુરના ૨૦ કિમીના રોડને ૦૭ મીટર ર૫.૨૫ કરોડના ખર્ચે પહોળો કરવાની જાહેરાત કરી હતી.

કાર્યક્રમમાં સાસંદશ્રી જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે  ૦૧મે થી ૩૧ મેના રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં જનભાગીદારી જોડાઇ રહી છે.પાણીએ પ્રભુનો પ્રસાદ છે અને સરકારે યુધ્ધના ધોરણે શરૂ કરેલ કામગીરીથી આગામી સમયમાં લોકોની સુખાકારી સુવિધાઓમાં વધારો થશે. આ મહાઅભિયાનમાં લોકો સ્વૈચ્છિક સહયોગ આપે તે અત્યંત અનિવાર્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ, ઋષિકેશભાઇ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ખોડભાઇ પટેલ, અનુસુચિત જાતિ નિગમના રમેશભાઇ સોલંકી, ખેતીબેન્કના ચેરમેન ધીરેનભાઇ ચૌધરી, અગ્રણી શ્રી નીતિનભાઇ પટેલ, નટુજી ઠાકોર, ડૉ.અનિલ પટેલ, રજનીકાન્ત પટેલ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, જળસંપત્તિ વિભાગના સચિવશ્રી કે.એ.પટેલ, મુખ્ય ઇજનેર કલ્યાણી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સંતજનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા