બિન અનામત વર્ગ આયોગની ભલામણો સરકારે રાખી માન્ય, જૂનમાં ભરાશે ફોર્મ

સરકાર દ્વારા બિન અનામત વર્ગો માટે રચવામાં આવેલા બિન અનામત વર્ગ આયોગતની તમામ ભલામણો રાજ્ય સરકારે માન્ય રાખી છે. અઠવાડિયામાં બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બિન અનામત વર્ગ આયોગ તરફથી કરાયેલી ભલામણોમાં બિન અનામત જ્ઞાતિઓને અનામત વર્ગો જેવો જ લાભ આપવામાં આવશે. આશરે 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર દ્વારા બિન અનામત વર્ગ આયોગની રચના કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે આ તમામ ભલામણો માન્ય રાખી છે જે અંતર્ગત સરકારી નોકરીઓમાં ઉંમર 28 વધારીને 33 કરવામાં આવશે. આ ઉપરાંત સ્વરોજગારીને પ્રોત્સાહન માટે સસ્તી લોન આપવાની ભલામણને પણ સરકારે માન્ય રાખી છે. મળતી માહિતી પ્રમાણે શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં પણ 50 ટકા સુધી રહાત આપવમાં આવશે. આ ઉપરાંત બિન અનામ વર્ગની યુવતીઓને પણ મોટી રહતો આપવામાં આવશે.

આ અંગેની સત્તાવાર જાહેરાત જૂનના પ્રથમ અઠવાડિયામાં થઇ શકે છે. સરકાર પ્રમાણે બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડાશે. આગામી જૂન મહિનામાં ફોર્મ ભરાશે. ફોર્મ ભલે જૂન મહિનામાં ભરાય પરંતુ યોજનાના લાભો પહેલી એપ્રિલ 2018થી માનવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાએ સમયથી રાજ્યમાં બિન અનામત વર્ગના લોકો દ્વારા અનામતને લઈ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ હાલની સરકારને કેટલીક બેઠક ખોવાનો વારો આવ્યો. હાલના સમયમાં એસસી-એસટી વર્ગ પણ પોતાની સુરક્ષાને લઈ સરકારથી નારાજ છે, તેવામાં પોતાની મોટી વોટ બેંક ગણાતા બિન અનામત વર્ગને આકર્ષવા સરકાર તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે સરકાર લોકસભા ચૂંટણીમાં બિન અનામત વર્ગને આકર્ષવા માટે બિન અનામત વર્ગ આયોગની ભલામણ સ્વીકારી છે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ પ્રકારની યોજના લાવી બિન અનામત વર્ગને કેટલી ખુશ કરી શકે છે.