યુપી : સરકારી બંગલાઓ ખાલી કરવા પૂર્વ મુખ્યમંત્રીઓને હુકમ

સુપ્રીમ કોર્ટના આદેશથી યુપી સરકારને પણ મોટો ફટકો પડ્યો
યુપી : સરકારી બંગલાઓ ખાલી કરવા પૂર્વ મુખ્યમંત્રીઓને હુકમ
કોઇ વ્યક્તિ એક વખતે મુખ્યપ્રધાન પદને છોડી દીધા બાદ સામાન્ય વ્યક્તિની બરોબર થઇ જાય છે : સર્વોચ્ચ અદાલત ચુકાદા વેળા મહત્વનું તારણ આપ્યું

નવી દિલ્હી,તા. ૭
સુપ્રીમ કોર્ટે આજે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી બંગલા ખાલી કરવા માટે આદેશ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે કોઇ શખ્સ એક વખતે મુખ્યપ્રધાન પદ છોડી દીધા બાદ સામાન્ય વ્યક્તિ થઇ જાય છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને ઉત્તરપ્રદેશ સરકાર માટે પણ ફટકા સમાન ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આજે લોક પ્રહરી સંસ્થાની અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ આપ્યો હતો. કોર્ટે યુપી મિનિસ્ટર સેલરી એલાઉન્ટ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટની જોગવાઇને રદ કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી બંગલામાં રહેવાના અધિકાર આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એક્ટની કલમ ચાર (૩) ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ જે પૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી આવાસ ખાલી કરવા પડશે તેમાં મુલાયમ સિંહ, કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી અને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને નારાયણ દત્ત તિવારીને પણ આવાસ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી વેળા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં કેટલાક કઠોર આદેશ જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ સરકારે કાયદામાં સુધારા કરીને જે નવી વ્યવસ્થા આપી હતી તે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અલબત્ત આ ચુકાદો ઉત્તરપ્રદેશના કાયદા સુધી મર્યાદિત છે. આ ચુકાદાને લઇને પ્રાથમિકરીતે ગણતરીનો દોર શરૂ થયો હતો.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, વ્યક્તિએ હોદ્દાને છોડી દીધા બાદ પબ્લિક ઓફિસ ઇતિહાસ બની જાય છે. સરકારી આવાસોને હંમેશ માટે આપી શકાય નહીં. વર્ષ ૨૦૧૬ના કાયદાને ઉત્તરપ્રદેશને એનજીઓ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો. લોકપ્રહરી નામના એનજીઓ દ્વારા આ અપીલ કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૬માં આ સંદર્ભમાં નોંધ લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને લખનૌમાં આપવામાં આવેલા સરકારી બંગલાઓને ખાલી કરવા પડશે. જસ્ટિસ અનિલ આર દવે અને જસ્ટિસ એનવી રમનના તથા આર બાનુમતિની બનેલી બેંચે આ અંગેનો ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારની એવી દલીલને ફગાવી દેવામાં આવી હતી કે, મોટાભાગના પૂર્વ મુખ્યમંત્રીઓ ઝેડ પ્લસની સુરક્ષા ધરાવે છે જેથી આ આવાસ અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થા કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે જેથી આવાસ આપવાની બાબત પણ તેની જ જવાબદારી છે.