રાહુલે કર્ણાટકમાં કર્યો રોડ શો, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર હલ્લાબોલ

કોલારઃ રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટકના કોલારમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરૂદ્ધ બળદ ગાડું અને સાયકલ પર રોડ શો કર્યો. આ દરમિયાન રાહુલે મોદી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે 4 વર્ષમાં ભાજપ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કરોડો રૂપિયાનો ટેક્સ લીધો પરંતુ લોકોને રાહત ન આપી.

સરકાર નાગરિકોને કોઈ જ રાહત નથી આપતી

– રાહુલે #BJPReducePetrolPrices ના નામથી ટ્વિટ લખ્યું, “ભાજપ સરકારે 2014થી અત્યાર સુધી પેટ્રોલ/LPG/ડીઝલ પર 10 લાખ કરોડ રૂપિયા ટેક્સથી કમાણી કરી પરંતુ લોકોને કિંમતોમાં કોઈ જ રાહત ન આપી.”

– રાહુલે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે મોદી સરકારનું પેટ્રોલની કિંમતનું સત્ય શું છે?
– રાહુલે વીડિયોમાં કહ્યું, “આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં 67%નો ઘટાડો આવ્યો છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશ આંબી રહ્યાં છે. સારા દિવસોનો દાવો કરનારાઓ મૌન કેમ છે?”

નોટબંધી-જીએસટી સરકારની સૌથી મોટી ભૂલ: મનમોહન

– મનમોહન સિંહે પણ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમારા વડાપ્રધાન દાવોસમાં નીરવ મોદીની સાથે હતા. થોડાક જ દિવસો પછી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા.”

– “સરકારની સૌથી મોટી બે ભૂલ હતી નોટબંધી અને જીએસટીને લાગુ કરવામાં ઉતાવળ. આ બંને ભૂલોને ટાળી શકાય એમ હતી. આ બ્લન્ડરના કારણે જે આર્થિક નુકસાન થયું, તેનાથી નાના અને લઘુ ઉદ્યોગો પર અસર પડી. લાખોની સંખ્યામાં નોકરીઓ ગઇ.”
– “મોદી સરકારના આર્થિક મેનેજમેન્ટથી સામાન્ય જનતા બેન્કિંગ વ્યવસ્થા પરથી પોતાનો વિશ્વાસ ખોઇ રહી છે. હાલની ઘટનાઓને કારણે થયેલી રોકડની અછતને ઘણા રાજ્યોમાં અટકાવી શકાઇ હોત.”
– “જે રીતે નરેન્દ્ર મોદી દરરોજ પોતાના વિરોધીઓ વિરુદ્ધ વાતો કહેવા માટે પોતાના પદનો ઉપયોગ કરી રહ્યા છે, તેવો દુરુપયોગ કોઇ વડાપ્રધાને કર્યો નથી. આટલા નીચેના સ્તરે પહોંચી જવું વડાપ્રધાનને શોભા નથી આપતું. આ દેશ માટે પણ સારું નથી.”