રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આક્રમક પ્રચાર કર્યું

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આક્રમક પ્રચાર કર્યું
મોદી પાસે બોલવા માટે કંઇ પણ નથી જેથી અંગત પ્રહારો
મોદી તેમની મજાક ઉડાવે છે પરંતુ તેમને આવી ભાષાઓ શોભતી નથી : રેડ્ડી બ્રધર્સને જેલમાંથી મોદીએ છોડાવ્યા

બેંગ્લુરુ, તા. ૩
કર્ણાટકના ઓરાડમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે આક્રમક પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યં હતું કે, વડાપ્રધાન તેમની મજાક ઉડાવે છે પરંતુ તેમને આ ભાષા શોભતી નથી. રાહુલે ભાજપના ભ્રષ્ટાચારમુક્ત ભારતના નારાની વાત કરતા કહ્યું હતું કે, રેડ્ડી બંધુઓને ફરીવાર લાવવામાં આવી રહ્યા છે. રાહુલે ઉમેર્યું હતું કે, રેડ્ડી બ્રધર્સની પુરી ગેંગ જેલમાં હતી તેને જેલમાંથી કાઢીને વિધાનસભામાં નાંખવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ શોલે ફિલ્મની ગબ્બરસિંહ ગેંગ છે જેમાં શાંભા પણ છે અને કાલિયા પણ છે. તેઓ નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરવા માંગે છે કે, આપના મિત્રના પુત્ર જય શાહ છે. તેમની ૫૦૦૦૦ની કંપની ૮૦ કરોડની થઇ ગઇ છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો આ ચોરી છે પરંતુ આ મુદ્દે વડાપ્રધાન કોઇ નિવેદન કરશે નહીં. રાહુલે કહ્યું હતું કે, મોદી તેમની મજાક ભલે ઉડાવે પરંતુ તેમના પ્રશ્નોના જવાબ આપે તેમ તમામ લોકો ઇચ્છે છે. નિરવ મોદી ૩૦૦૦૦ કરોડ રૂપિયા લઇને ભાગી ગયા છે તે અંગે મોદી કોઇ વાત કરતા નથી. રેડ્ડી બંધુઓને છોડાવી લેવામાં આવ્યા છે અને મોદી ભ્રષ્ટાચારની સામે લડવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસની ઉપલબ્ધીઓની ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ દરેક યુવતીને કિન્ડર ગાર્ડનથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ અપાવ્યું છે. દરેક શહેરમાં ઇન્દિરા કેન્ટીન ખોલવામાં આવી છે. દરેક ગામમાં સાત કિલો ચોખા આપવામાં આવી રહ્યા છે. રાહુલે પ્રહાર કરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં ચૂંટણી છે પરંતુ વડાપ્રધાનની પાસે બોલવા માટે કોઇ મુદ્દા નથી. બે કરોડ નોકરીઓ આપી નથી. માર્ગો બન્યા નથી. એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા આવ્યા નથી. મોદી પાસે બોલવા માટે કંઈ નથી જેથી રાહુલ ગાંધી અંગે વાત કર્યા રાખે છે. કોંગ્રેસ અધ્યક્ષે મોદીને કર્ણાટકના લોકપ્રિય સંત બસવાનાનો દાખલો આપ્યો હતો અને કહ્યું હતું કે, બસવાનાએ કર્ણાટકને રસ્તો બતાવ્યો હતો. આવી જ રીતે દેશના યુવાનો મોદી તરફ જોઈ રહ્યા છે. રોજગાર માટે, માર્ગો માટે, નોકરીઓ માટે દેશ વડાપ્રધાન તરફ જુએ છે. વડાપ્રધાન દેશને રસ્તો બતાવે તે જરૂરી છે. આ ચૂંટણી કોઈ રાહુલ ગાંધી અથવા તો નરેન્દ્ર મોદી માટે યોજાઈ રહી નથી. આક્ષેપોનો દોર આજે જારી રહ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, ગબ્બરસિંહ ટેક્સ બાદ હે મોદી ગબ્બરસિંહની ગેંગ બનાવી રહ્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, મોદીના શાસનમાં પણ ભ્રષ્ટાચારની ગતિવિધિ ચાલી રહી છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, મોદી જ્યારે પણ ગભરાઈ જાય છે ત્યારે કોઇને કોઇ નેતાની વાત કરતા રહે છે.