રોડરેજ કેસ : નવજોત સિદ્ધૂ આખરે નિર્દોષ જાહેર થયો

નજીવો દંડ ફટકારીને છોડી દેવાનો આદેશ
રોડરેજ કેસ : નવજોત સિદ્ધૂ આખરે નિર્દોષ જાહેર થયો
ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૩ હેઠળ દોષિત જાહેર

નવીદિલ્હી,તા. ૧૫
ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિદ્ધૂને ૩૦ વર્ષ જુના રોડરેજના મામલામાં બિનઇરાદાપૂર્વક હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે સિદ્ધૂને માત્ર મારામારીમાં દોષિત ગણ્યા હતા અને નજીવો દંડ ફટકારીને છોડી મુક્યા હતા. અલબત્ત પંજાબ અને હરિયાણા કોર્ટે આ મામલામાં નવજોત સિદ્ધૂને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં નવજોત સિદ્ધૂ દ્વારા અરજી કરવામાં આવી હતી. આ ચુકાદો આવ્યા બાદ પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધૂએ પંજાબના લોકોનો આભાર માન્યો છે.
બીજી બાજુ જસ્ટિસ જે ચેલેમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બનેલી બેંચે સિદ્ધૂને નજીવા કેસમાં દોષિત ગણ્યા હતા. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૩ હેઠળ સિદ્ધૂને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે સિદ્ધૂના સાથી રૂપિન્દરસિંહ સંધૂને પણ છોડી મુક્યા હતા. એપ્રિલ મહિનામાં પંજાબમાં કોંગ્રેસ સરકારે ૧૦ જૂના કેસમાં સિદ્ધૂને અપરાધી ઠેરવવા માટે અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે નવજોત સિદ્ધૂને એવા આધાર પર જામીન આપી દીધા હતા કે તે વ્યસ્ત નેતાઓ પૈકી એક છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. આ ચકચારી કેસના કારણે નવજોત સિદ્ધૂને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રૂપિન્દર અને સિદ્ધૂને સજા ફટકારી હતી પરંતુ તેમની સજાને મોકૂફ રાખવામાં આવી હતી. કારણ કે, મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહ્યો હતો.