સુરક્ષા દળોને મોટી સફળતા : ૫ કુખ્યાત ત્રાસવાદીઓ મોતને ઘાટ

ઠાર કરાયેલાઓમાં હિઝબુલ કમાન્ડર સદ્દામનો પણ સમાવેશ
સુરક્ષા દળોને મોટી સફળતા : ૫ કુખ્યાત ત્રાસવાદીઓ મોતને ઘાટ
હિઝબુલના કમાન્ડર સદ્દામને ઠાર કરાતા બુરહાન વાની બ્રિગેડનો સંપૂર્ણપણે સફાયો થયો : ઓપરેશન ઓલઆઉટ હેઠળ ત્રાસવાદીઓની સામે કાર્યવાહી

શ્રીનગર,તા. ૬
જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લાના બડગામમાં સેના અને સુરક્ષા દળોને આજે હજુ સુધીની સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. સુપર સેન્ડેના ભાગરુપે સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે આજે પાંચ કુખ્યાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુઝાહિદ્દીનના અનેક ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આજના આ ઓપરેશનની સાથે જ બુરહાનવાનીની સમગ્ર ગેંગનો હવે સફાયો થઇ ચુક્યો છે. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ તેના કુખ્યાત ત્રાસવાદીઓ સક્રિય થયેલા હતા પરંતુ આજે મોટુ ઓપરેશન પાર પાડીને કુખ્યાત ત્રાસવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. આજે અથડામણમાં હિઝબુલનો કમાન્ડર સદ્દામ અને તેના બે સાથી બિલાલ મૌલવી અને આદિલ સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સદ્દામને પોસ્ટરબોય તરીકે પણ ગણવામાં આવી રહ્યો હતો. સદ્દામ હિઝબુલનો ટોપ કમાન્ડર હતો અને બુરહાન વાની બ્રિગેડમાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક માત્ર જીવિત કમાન્ડર હતો. આ અથડામણ દરમિયાન બે સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં સેના અને પોલીસના એક એક જવાનનો પણ સમાવેશ થાય છે. કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. તાજેતરમાં જ આતંકવાદના રસ્તા પર જતા રહેલા કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટનો પણ સફાયો થયો છે તે શુક્રવારના દિવસે લાપત્તા થઇ ગયો હતો. સોપિયનમાં આ અથડામણ થઇ હતી. પાંચેય ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એસપી વૈદ્ય દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. સદ્દામને ખુબ જ કુખ્યાત આતંકવાદી તરીકે ગણવામાં આવતો હતો. આજના એન્કાઉન્ટરને ધ્યાનમોં લઇને સુરક્ષાના ભાગરુપે દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે સોપિયાના જેનાપુરા વિસ્તારમાં બડીગામ ગામમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સીઆરપીએફના જવાનો પણ જોડાયા હતા. અધિકારીઓના કહેવા મુજબ શોધખોળ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબીકાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે જવાનો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ પાંચેય ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તરીતે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ સોપિયનમાં આ સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ પુલવામા અને દક્ષિણ કાશ્મીરના અન્ય ભાગોમાં હિંસાની શરૂઆત થઇ હતી. સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે સોપિયન, પુલવામામાં ઝપાઝપી થઇ હતી. ગયા શુક્રવારે મોહમ્મદ રફી ભટ્ટની સંડોવણી ખુલી હતી. હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી બુરહાન વાનીને ૨૦૧૬માં એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યો હતો.