સ્પષ્ટ બહુમતિ ન મળતા સરકાર રચવાના કાવાદાવાનો દોર શરૂ

સ્પષ્ટ બહુમતિ ન મળતા સરકાર રચવાના કાવાદાવાનો દોર શરૂ
કર્ણાટકમાં સરકાર રચવા ભાજપ, જેડીએસ-કોંગ્રેસ દ્વારા થયેલો દાવો
રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને યેદીયુરપ્પા, કુમારસ્વામી દ્વારા સરકાર રચવાનો દાવો : તમામ રાજકીય પંડિતોની નજર રાજ્યપાલ પર કેન્દ્રિત થઇ

બેંગલોર,તા. ૧૫
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાનીરીતે સરકાર રચવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. પૂર્ણ પરિણામ જાહેર થયા નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને એકબાજુ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પાએ સરકાર રચવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસે પણ સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેડીએસના નેતા કુમારસ્વામી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે જેડીએસને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે બિનશરતીરીતે ટેકો આપવાની જાહેરાત કરી હતી. કુમારસ્વામીએ રાજ્યપાલને મળીને ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. કોંગ્રેસનું સમર્થન હોવાની વાત કરી હતી. બીજી બાજુ ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદીયુરપ્પા પણ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. યેદીયુરપ્પાની સાથે ભાજપના અનંતકુમાર, રાજીવ ચંદ્રશેખર પણ રહ્યા હતા. કર્ણાટકના પરિણામ રોમાંચક રહ્યા બાદ બહુમતની નજીક પહોંચીને પણ નંબર ન મેળવવાના કારણે અન્ય કોઇ પાર્ટીના સહકાર વગર સરકાર બનાવવાનું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. યેદીયુરપ્પાએ કહ્યું છે કે, કોંગ્રેસ મુક્ત કર્ણાટક માટે મતદારોએ જનાદેશ આપ્યો છે અને તેઓ રાજ્યમાં સરકાર બનાવશે. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, આ જનમત કોંગ્રેસમુક્ત કર્ણાટકનો છે. રાજ્યની પ્રજાએ ભાજપની પસંદગી કરી છે. હાઈકમાન્ડ સાથે તેઓ સતત સંપર્કમાં છે. પ્રજાએ ફગાવી દીધા બાદ પણ કોંગ્રેસ પાર્ટી પાછલા દરવાજાથી સત્તામાં રહેવા માટે ઇચ્છુક છે પરંતુ પ્રજા કોંગ્રેસના પ્રયાસોને ચલાવી લેશે નહીં. પરિણામ સ્પષ્ટ બહુમતિના ન મળતા યેદીયુરપ્પાએ દિલ્હીનો પ્રવાસ રદ કરી દીધો હતો. મોડેથી તેઓ રાજ્યપાલ પાસે સમય માંગીને તેમને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, અમે પાછલા દરવાજાથી રાજનીતિ કરવામાં માનતા નથી. જો જરૂર પડશે તો જેડીએસ સાથે વાત થશે. જનતા કોંગ્રેસમુક્ત ભારતની તરફ વધી રહી છે. આ પહેલા પણ પરિણામ આવ્યાની શરૂઆત થયા બાદ રાજકીય ઘટનાક્રમનો દોર શરૂ થયો હતો. કોંગ્રેસ પાર્ટીએ ભાજપને રોકવા માટે દક્ષિણ રાજ્યોમાં સરકાર રચવા જેડીએસને ઓફર કરી હતી. કોંગ્રેસે વધારે સમય બગાડ્યા વગર એચડી દેવગૌડાના નેતૃત્વમાં જેડીએસ સાથે જોડાણ કરવાની વાત કરી હતી. કર્ણાટકમાં આગામી સરકાર રચવા ભાજપને તક ન મળે તે હેતુસર આ રણનીતિ તૈયાર કરાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કર્ણાટક કોંગ્રેસના નેતા જી પરમેશ્વરાએ કહ્યું હતું કે, અમે લોકોનો જનમત સ્વીકારીએ છીએ. અમે ચુકાદાને માથે ચડાવીએ છીએ. સરકાર રચવા અમારી પાસે આંકડા નથી જેથી સરકાર રચવા જેડીએસને ઓફર કરી રહ્યા છે. પરિણામથી ચિંતિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત અને સિદ્ધારમૈયા દ્વારા બેઠકોનો દોર જારી રહ્યો હતો. આઝાદે કહ્યું હતું કે, દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાતચીત થઇ હતી. ફોન ઉપર વાતચીત થયા બાદ તેઓએ અમારી ઓફરને સ્વીકારી લીધી છે. મોડેથી જેડીએસ અને કોંગ્રેસે પણ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. બંનેએ સંયુક્ત પત્રકાર પરિષદ પણ મોડેથી યોજી હતી.