૧લી મેથી ગુજરાતમાં જળસંચય અભિયાનનો પ્રારંભ : ૧૦,૫૭૬ કામ હાથ પર લેવાશે

૧લી મેથી ગુજરાતમાં જળસંચય અભિયાનનો પ્રારંભ : ૧૦,૫૭૬ કામ હાથ પર લેવાશે
અમદાવાદમાં કુલ ૧ હજાર ૩૦૧ તો ગાંધીનગરમાં ૧ હજાર ૩૮ કામ અને તે પાછળ ૯.૭૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે

ગાંધીનગર
આવતીકાલથી રાજ્યમાં જળસંચય અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને જળસંચય અભિયાન થકી રાજ્યમાં ૧૧ લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે આ અભિયાન દરમિયાન આખા રાજ્યમાં ૧૦ હજાર ૫૭૬ કામ હાથ પર લેવાશે. જેમાં મહેસાણામાં બે હજાર નેવું કામ અને તે પાછળ ૫ કરોડ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. તો અમદાવાદમાં કુલ ૧ હજાર ૩૦૧ જળ સંચયના કામ હાથ ધરાશે. તો ગાંધીનગરમાં ૧ હજાર ૩૮ કામ અને તે પાછળ ૯.૭૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. બીજી તરફ પાટણમાં ૧ હજાર ૬૨૫ કામ પાછળ ૯ કરોડ ખર્ચ થશે. તો બનાસકાંઠામાં ૨ હજાર ૫૪૬ કામ હાથ પર લેવાશે..તેવી માહિતી આપી હતી.મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર કર્યું હતું કે, પહેલીથી ૩૧મી મે સુધી ચાલનારા અભિયાન બાદ રાજ્યમાં નવી ૧૧ હજાર લાખ ઘનફૂટ સંગ્રહશક્તિ ઊભી થશે. તળાવો ઊંડા કરવાના, ચેકડેમો, તળાવો, નદીઓ, કેનાલોમાંથી સિલ્ટ-માટી કાઢવાના કામોમાં ૪,૦૦૦ જેટલા જેસીબી-હિટાચી મશીનો, ૮,૦૦૦ જેટલા ડમ્પર-ટ્રેક્ટર્સ વપરાશે. આ સમગ્ર અભિયાનના મોનિટરિંગ માટે મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને ઉચ્ચ કક્ષાની કમિટી પણ કાર્યરત થશે. દરેક જિલ્લામાં તમામ નિર્ણયો જિલ્લા કલેક્ટર દ્વારા લેવાશે અને પેમેન્ટના ચુકવણા પણ એમના દ્વારા જ થશે. મંત્રીમંડળના સભ્યો તથા પદાધિકારીઓ ૧૫ દિવસ આ અભિયાનમાં જોડાશે. મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે, એક સમયે રાજ્યમાં સિંચાઈ ક્ષમતા માત્ર ૧૫ લાખ હેક્ટર હતી, જે અત્યારે ૭૧ લાખ હેક્ટરે પહોંચી છે.૩૪૦ કિ.મી. લંબાઈની ૩૨ નદીઓ પુનર્જીવિત થશે, જેમાં અમરેલીની ઠેબી, આણંદની ભગાનો ઘેરો કોતર, અરવલ્લીની ચારિયા-વાંકડ, બનાસકાંઠાની ધામણી, ભરૂચની ટોકરી કોતર, ભાવનગરની ધરવાલી-રંઘોળી, છોટાઉદેપુરની ઓલી આંબા કોતર-ઓરસંગ, દાહોદની વાંકડી, દ્વારકાની વિંગડી અને ધૂના, જામનગરની ભિલેશ્વરી, કચ્છની ખરોડ, મહીસાગરની ઝરમર-શેઢી, મહેસાણાની ધામણી, મોરબીની કુલકી, નર્મદાની કૂકડા કોતર, નવસારીની કાવેરી, પંચમહાલની સુખી, પાટણની રૂપેણ, રાજકોટની કોલપરી, સાબરકાંઠાની માંગોલવડી, સુરતની વેર, સુરેન્દ્રનગરની ગઢવી-સુખભાદર અને નફારત-ભોગાવો, તાપીની મિંઢોળા અને ઝાકરી, વલસાડની ખોરીચી માલી-તેન, ગાંધીનગરની ખારી-મેશ્વો, ગીર સોમનાથની સમરપણ-હિરણ, ખેડાની વાત્રક અને મેશ્વો, પોરબંદરની વલવાદર-કાલિન્દી, ડાંગની ઝરણિયા અને માયાદેવીનું કોતર તેમજ અમદાવાદની રોધ નદીનો સમાવેશ થશે.