સેંસેક્સ ૩૫૧૬૫ની ઉંચી સપાટી ઉપર રહ્યો
તેજી જારી : સેંસેક્સ વધુ ૨૪૧ પોઇન્ટ સુધરીને અંતે બંધ રહ્યો
નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૦,૬૮૯ની ઉંચી સપાટી ઉપર રહ્યો : તેલ કિંમતોમાં ભારે ઘટાડો થતાં મોટી રાહત

મુંબઇ,તા. ૨૮
શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી જોવા મલી હતી. ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો આજે થયો હતો. ડોલર સામે રૂપિયામાં પણ એકાએક રિકવરી જોવા મળી હતી જેથી શેરબજારમાં તેજી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા. બીએસઈ સેંસેક્સ ૨૪૧ પોઇન્ટ ઉછળીને ૩૫૧૬૫ની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તેલ કિંમતોમાં આજે ઘટાડો થયો હતો. શુક્રવારની સરખામણીમાં આજે જોરદાર ઘટાડો થયો હતો. સાઉદી અરેબિયા અને રશિયાએ કહ્યું છે કે, તેઓ સપ્લાયમાં વધારો કરી શકે છે. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો સનફાર્મા ઇન્ડસ્ટ્રીના શેરમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. ટીસીએસના શેરમાં આજે ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેલ કિંમતોમાં આજે પણ ઘટાડો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઢ ૭૫.૩૫ ડોલર રહી હતી તેમાં અગાઉ બંધની સરખામણીમાં ૧.૦૯ ડોલરનો ઘટાડો થયો હતો. અત્રે નોંધનીય છે કે, શેરબજારમા શુક્રવારના દિવસે તેજી રહી હતી. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઉછળીને ૩૪૯૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. જીડીપીના ડેટા જાન્યુઆરી અને માર્ચના ગાળા માટે ૩૧મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતનો જીડીપી દર ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિમાં તેજીના લીધે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા રહ્યો હતો. બીપીસીએલ, કોલ ઇન્ડિયાના આંકડા ૨૯મીએ જારી થશે.
મે ૨૦૧૮ એફએન્ડઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારે પૂર્ણ થશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિને લઇને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ઓટો કંપનીઓના શેર તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી જૂનથી મે મહિના માટેના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ મોટર્સ, તાતા મોટર્સના વેચાણના આંકડા હાલમાં આશાસ્પદ રહી ચુક્યા છે. બીજી બાજુ નિફ્ટીની સપાટી કેટલી રહે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.