અમદાવાદ ખાતેથી ગુજરાતીમાં કાર્ટૂન- હાસ્યનું અનોખું મેગેઝિન શરુ થયું

અમદાવાદ ખાતેથી ગુજરાતીમાં કાર્ટૂન- હાસ્યનું અનોખું મેગેઝિન શરુ થયું
કાર્ટુન સેલ્ફી’ મેગેઝિન આગવી શરૂઆતઃ રતિલાલ બોરિસાગર

અમદાવાદઃ “કાર્ટુન, હાસ્ય અને વ્યંગ્યને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતીમાં પ્રથમ વખત ‘કાર્ટુન સેલ્ફી’ મેગેઝિન આવ્યું છે તે ખરેખર અભૂતપૂર્વ ઘટના છે અને ‘ક્લાસ’ માટેના આ મેગેઝિનનો વ્યાપ વધે તેમ તેની સકારાત્મક અસર સમાજમાં જોવા મળશે એમ જાણીતા હાસ્ય લેખક રતિલાલ બોરિસાગરે ‘કાર્ટુન સેલ્ફી’ મેગેઝિનના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક આદેપાલ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘કાર્ટુન સેલ્ફી’ મેગેઝિનનું વિમોચન બુધવારે યોજાયું હતું અને તેમાં શહેરના ગણમાન્ય વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રતિલાલ બોરિસાગરે જણાવ્યું હતું કે, “૧૯૧૫ની સાલમાં ‘વીસમી સદી’ મેગેઝિનથી લઇને અત્યાર સુધીમાં ગુજરાતમાં આ પ્રકારનું આ પ્રથમ મેગેઝિન છે. આ મેગેઝિનમાં સમાવિષ્ટ સામગ્રી બુદ્ધિશાળી વાચકો માટે છે અને નિઃશંકપણે આ મેગેઝિન વાચકોને તૈયાર કરવાનું કામ કરશે. હાલમાં ફિલ્મો કે વોટ્‌સએપમાં સ્થૂળ હાસ્યની બોલબાલા છે ત્યારે ‘કાર્ટુન સેલ્ફી’ વાચકોમાં હાસ્યવૃત્તિ કેળવવાનું અને સજ્જ કરવાનું કામ કરશે. કાર્ટુન અને હાસ્ય-વ્યંગ્ય કળા દ્વારા આ મેગેઝિનમાં રાજકીય અને સામાજિક કેળવણી આપવામાં આવશે.”
આ પ્રસંગે ગુજરાત કેળવણી પરિષદના મનસુખ સલ્લાએ જણાવ્યું હતું કે, “નર્મદથી લઇને અત્યાર સુધી જેમને પણ કંઇક કહેવું છે તેમણે અખબાર કે મેગેઝિનના માધ્યમથી આ કામ કરવાનું સાહસ કર્યું છે અને ‘કાર્ટુન સેલ્ફી’ પણ આ જ દિશામાં કામ કરશે.” આ પ્રસંગે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ અશોક અદેપાલ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ઘટનાઓ દર્શાવતા કેરીકેચરનું પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પહેલાં પણ તેઓ આ પ્રકારના પ્રદર્શન યોજી ચૂક્યા છે. કાર્ટૂન સેલ્ફી એક્ઝિબિશન ૨૭ જૂન બુધવારથી ૧ જુલાઇ રવિવાર સુધી યોજાશે. રવિ શંકર રાવળ કલાભવન, લો ગાર્ડન, નેતાજી રોડ, એલિસબ્રિજ ખાતે બપોરે ૧૨-૩૦થી રાત્રે ૮ વાગ્યા સુધી મુલાકાત લઇ શકાશે..