આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજનો ગોળી મારી આપઘાત

આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજનો ગોળી મારી આપઘાત
 ઇન્દોર

રાષ્ટ્રસંતનું માન મેળવનાર ભૈયુજી મહારાજે મધ્યપ્રદેશના ઇન્દૌરમાં પોતાના નિવાસસ્થાને ગોળી મારી આત્મહત્યા કરી છે. ભૈયુજી મહારાજને ગંભીર હાલતમાં ઈન્દૌરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી કેમ મરી, આ વાતનો ખુલાસો હજુ સુધી થયો નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ભૈયુજીએ પારીવારિક કારણોસર પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું ચર્ચાય છે.આ ઘટનાની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઈન્દૌર સ્થિત બોમ્બે હોસ્પિટલ બહાર એકત્ર થયા છે. જણાવી દઇએ કે શિવારાજ સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં પાંચ સંતોને રાજ્યમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. જેમાં ભૈયુજી મહારાજનો પણ સમાવેશ હતો. ભૈયુજી મહારાજનું મૂળ નામ ઉદય સિંહ દેશમુખ છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજેલપુરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તાજેતરમાં જ ભૈયુજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમને શિવરાજ સરકારમાં રાજ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું પરંતુ તેમણે તે સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો.આ ઉપરાંત થોડા દિવસો પહેલાં, ભૈયુજી મહારાજ સાથે જોડાયેલા બે અહેવાલો ખુબ ચર્ચામાં હતા.એક તેમના લગ્ન અને બીજુ તેમના પર હુમલો. ગત વર્ષે એપ્રિલ ૨૦૧૭માં ભૈય્યુજી મહારાજે બીજા લગ્ન કર્યા હતા. તેમણે ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે સાત ફેરા લીધા હતા. ભૈય્યુજી મહારાજની પ્રથમ પત્ની માધવીનું આશરે એકાદ વર્ષ પહેલા (નવેમ્બર ૨૦૧૫ માં) નિધન થયું હતું. પહેલા લગ્નથી તેમની એક દીકરી કૂહુ છે, જે હાલ પુણેમાં અભ્યાસ કરી રહી છે. ભૈય્યુજી મહારાજ થોડા સમય પહેલા જાહેર જીવનથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક તેમના બીજા લગ્નએ લોકોને ચોંકાવી દીધા હતા.ભૈયુજી મહારાજનો રાજકારણમાં ઊંડો રસ રહેલો છે અને તેઓ અનેક રાજકીય વિવાદોના સમાધનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અણ્ણા હજારેના અનશનનો અંત લાવવામાં પણ ભૈયુજીની મહત્વની ભૂમિકા હતી. ભૈયુજી મહારાજે હવે ઈન્દોરમાં તેમના ઘરે એકાએક ગોળી મારી આત્મહત્યા કરી લેતા હાલ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.