ઇરાનથી ક્રુડ આયાતની ચેતવણી પછી USએ સ્થગિત કરી ભારત સાથેની બેઠક

ભારત પર અમેરિકી ઉત્પાદનો પર વધારે આયાત લગાવવાનો આરોપ થયા પછી ઇરાનથી તેલ આયાત અંગે ચેતાવણી આપ્યાંના થોડા કલાકો પછી અમેરિકાએ ભારતની સાથે જુલાઇમાં રાખેલી 2+2 બેઠક સ્થગિત કરી દીધી છે. અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે સાંજે ફોન કરીને બેઠક સ્થગિત કરવાની જાણકારી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું, ‘અમેરિકી સ્ટેટ સેક્રેટરી પોમ્પિયોએ વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજ સાથે કેટલાક સમય પહેલા ફોન પર વાત કરીને 2+2 બેઠક સ્થગિત કરવા માટે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે કેટલાક કારણોને લઇને બેઠક સ્થગિત કરવામાં આવી છે.’

પોમ્પિયોએ 6 જુલાઇના રોજ રાખેલી બેઠકને ન કરવાનું કોઇ કારણ નથી જણાવ્યું. કુમારે આગળ જણાવ્યું છે કે, ‘પોમ્પિયા અને સ્વરાજ નવી તારીખ અંગે વિચારી રહ્યાં છે. બંન્ને દેશોની સુવિધા પ્રમાણે જલ્દી જ બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે.’

મહત્વનું છે કે બુધવારે અમેરિકાએ ભારતને 4 નવેમ્બરથી ઈરાનમાંથી ક્રુડની આયાત બંધ કરી દેવા ધમકી આપી હતી. ઈરાન સાથેની પરમાણુ સંધિ રદ કરી દીધાં પછી અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદી દીધાં છે. તેના અનુસંધાનમાં અમેરિકાએ ભારત, ચીન સહિતના વિશ્વના તમામ દેશોને ઈરાનમાંથી ક્રુડની આયાત નવેમ્બર મહિનાથી બંધ કરી દેવાની ચેતવણી આપી હતી. આ અંગે અમેરિકી વિદેશ વિભાગના અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ પ્રતિબંધોમાંથી ભારત અથવા તેની કંપનીઓને મુક્તિ અપાશે નહીં. અમેરિકાએ ભારત અને ચીન સહિતના તમામ દેશોને 4 નવેમ્બરથી ઈરાનમાંથી ક્રુડની આયાત અટકાવી દેવા જણાવી દીધું છે. જો ઈરાનમાંથી ક્રુડની આયાત કરાશે તો અન્ય દેશોની જેમ ભારત અને ચીનની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદી દેવાશે. આ દેશોએ હવે ઈરાનમાંથી ક્રુડની આયાત ઘટાડવાનું શરૂ કરી દેવું જોઇએ. 4 નવેમ્બરના રોજ તેમની આયાત શૂન્ય પર પહોંચી જવી જોઇએ.
ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ
ભારત સૌથી વધુ ક્રુડ ઓઇલની આયાત ઇરાક અને સાઉદી અરબમાંથી કરે છે. ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ છે. એપ્રિલ 2017થી જાન્યુઆરી 2018 વચ્ચેના 10 મહિનામાં ભારતે ઈરાનમાંથી 18.4 મિલિયન ટન ક્રુડ ઓઇલની આયાત કરી હતી.