ઉત્તર કોરિયા પરમાણુ સાઇટ પર હજુપણ કામ કરી રહ્યું છે

સેટેલાઈટ ફોટા પરથી ચોંકાવનારી વિગત ખુલી
ઉત્તર કોરિયા પરમાણુ સાઇટ પર હજુપણ કામ કરી રહ્યું છે
સિંગાપુરમાં ડોનાલ્ડ ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે શિખર મંત્રણા થઈ હોવા છતાં ઉત્તર કોરિયા ગુપ્ત રીતે ગતિવિધિમાં વ્યસ્ત

નવી દિલ્હી, તા. ૨૭
ઉત્તર કોરિયા ઝડપથી પોતાના પરમાણુ સુધારા કેન્દ્રમાં ફેરફાર કરવામાં વ્યસ્ત છે. પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં ઝડપથી સુધારા કરવામાં આવી રહ્યા છે. ન્યુક્લિયર સાઈટ ઉપર હજુ પણ નિર્માણ કામગીરી ચાલી રહી છે. વેબસાઈટ દ્વારા આ અંગેનો દાવો આજે કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં જ સિંગાપુરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક થઈ હતી. જેમાં આ લક્ષ્યની દિશામાં કામ કરવા માટે વાત થઈ હતી. પરમાણુ નિઃશસ્ત્રીકરણની દિશામાં વાત થઈ હતી. સિંગાપુર બેઠક નિઃશસ્ત્રીકરણની સ્પષ્ટ પરિભાષા આપવામાં અથવા તો ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ હથિયારોના ભંડારને નષ્ટ કરવાના સંદર્ભમાં સ્પષ્ટ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં વિખવાદો અકબંધ રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા વહેલીતકે શરૂ થશે. ટ્રમ્પે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે પૂર્ણ નિઃશસ્ત્રીકરણ થશે. જેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે પરંતુ ૩૮ નોર્થ વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે સેટેલાઈટ ફોટાઓથી એવું જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયાના મુખ્ય યોંગબયોન પરમાણુ સાઇટ પર તમામ પ્રકારની કામગીરી ચાલુ છે. ત્યાં મૂળભૂત માળખા સંબંધિત કામ પણ ચાલુ છે. ૨૧મી જૂનના દિવસે કોમર્શિયલ સેટેલાઈટના ફોટાથી જાણવા મળ્યું છે કે યોંગબયોન પરમાણુ વૈજ્ઞાનિક કેન્દ્ર પર મૂળભૂત માળખામાં સુધારાનીકામગીરી ઝડપથી ચાલી રહી છે. સિંગાપુર મંત્રણા બાદ ટ્રમ્પે સ્વદેશ પહોંચીને સફળતાના મોટા મોટા દાવા કર્યા હોવા છતાં માનવામાં આવી રહ્યું છે કે અમેરિકી સેનાને ફરી એકવાર ઉત્તર કોરિયાની મિસાઈલોનો ભય સતાવી રહ્યો છે. આજ કારણસર સેના હવે હવામાં મિસાઈલ સંરક્ષણ રડાર પ્રણાલી ગોઠવવા ઈચ્છુક છે. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયા અથવા તો અન્ય કોઈ દેશ તરફથી ઝીંકવામાં આવેલી બેલાસ્ટીક મિસાઈલોની ઓળખ કરીને તેમને નષ્ટ કરી શકાશે.