કાશ્મીરમાં ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય છે : ૬૫ ટકા સ્થાનિક

પાકિસ્તાનથી ઘુસણખોરી કરતા ૩૫ ટકા આતંકી
કાશ્મીરમાં ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય છે : ૬૫ ટકા સ્થાનિક
સક્રિય આતંકવાદીઓમાં સૌથી વધુ હિઝબુલના ૬૨થી ૬૪ ટકા ત્રાસવાદી : સ્થાનિક ત્રાસવાદી પાંચ ટકા વધ્યા

નવીદિલ્હી, તા. ૨૧
જમ્મુ કાશ્મીરમાં હાલ આશરે ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. સુત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના ત્રાસવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય થયેલા છે. જો કે, આ ત્રાસવાદીઓ સેનાના નિશાના પર છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓની સંખ્યા ઓછી નથી પરંતુ અમારા જેટલા પણ જવાનો હાલ ખીણમાં તૈનાત છે તે તમામ આતંકવાદીઓ સામે પહોંચી વળવામાં પુરતા પ્રમાણમાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ૨૧૦ આતંકવાદીઓના આ આંકડાને ઓછો માની ન શકાય પરંતુ એક સમયે આંકડો ૨૫૦ સુધી પહોંચી ગયો હતો. અત્યારે સક્રિય આતંકવાદીઓમાં ૬૫ ટકા સ્થાનિક આતંકવાદીઓ છે. તો ૩૫ ટકા વિદેશી આતંકવાદી છે. એટલે કે, પાકિસ્તાનથી આવેલા આતંકવાદી છે. જેમાં મોટી સંખ્યા હિઝબુલ મુઝાહીદ્દીન આતંકવાદીઓની છે જેમની સંખ્યા આશરે ૬૨થી ૬૪ ટકા થવા જાય છે.
લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના આતંકવાદીઓની ટકાવારી કુલમળી ૩૫ ટકા થવા જાય છે. એજીયુ અને અલબદરના આતંકવાદીઓ ગણ્યા ગાંઠ્યા જ છે. સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ સ્થાનિક આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓનો રેશિયો ૬૦ઃ૪૦નો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાનથી થઇ રહેલી આતંકવાદીઓની ઘુસણખોરી પર લગામ કસવાના કારણે તેમાં ઘટાડો નોંધાયો છે તેથી કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓમાં હાલ સ્થાનિક આતંકવાદીઓની પાંચ ટકા સંખ્યા વધી ગઈ છે. ગત વર્ષે ૧૨૮ જેટલા સ્થાનિક યુવકોએ આતંકવાદને અપનાવી લીધો હતો તેની સામે અત્યાર સુધીમાં આ વર્ષે ૫૫ લોકો આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયા છે. સુત્રોએ ઉમેર્યું હતું કે, જ્યારે કોઇ સ્થાનિક આતંકવાદી ઠાર મરાય છે ત્યારે તેના અંતિમ સંસ્કારમાં જ્યારે લોકો જમા થાય છે ત્યારે જ તેમાંથી મહત્તમ આતંકવાદીઓની પસંદગી થાય છે અને આ રીતે આતંકવાદીઓની ભરતી વધી જાય છે. ગત વર્ષે કાશ્મીરમાં ૨૭૩ આતંકવાદીઓ માર્યા ગયા હતા.