જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીના પ્રયાસમાં છ ત્રાસવાદીઓ ઠાર

ઠાર થયેલા કુખ્યાત ત્રાસવાદીઓ પાસેથી મોતનો મસાલો જપ્ત
જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીના પ્રયાસમાં છ ત્રાસવાદીઓ ઠાર
કુપવારાના કેરન સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ : આતંકવાદીઓ રમઝનમાં પણ મોટા હુમલાઓ કરવાના પ્રયાસમાં : સુરક્ષા દળો હાલ હાઈએલર્ટ ઉપર

કુપવારા, તા. ૧૦
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો આતંકવાદીઓના ઇરાદા પર સતત પાણી ફેરવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસને આજે નિષ્ફળ કરીને સુરક્ષા દળોએ છ ત્રાસવાદીઓને ઠાર મારી દીધા હતા. આ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કુપવારા જિલ્લામાં આ પ્રયાસ નિષ્ફળ કરીને સુરક્ષા દળોએ મોટી સફળતા હાસલ કરી હતી. કુપવારાના કેરન સેક્ટરમાં ત્રાસવાદીઓએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓની હિલચાલ નિહાળ્યા બાદ સુરક્ષા દળોએ શરણાગતિ સ્વીકારી લેવા માટે ત્રાસવાદીઓને કહ્યું હતું પરંતુ ત્રાસવાદીઓએ શરણે થવાના બદલે સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરતા કલાકો સુધી ચાલેલી ગોળીબારની રમઝટમાં છ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. મોટાપાયે સર્ચ ઓપરેશન અથડામણ બાદ પણ જારી રહ્યું હતું. શનિવારના દિવસે બાંદીપોરામાં ત્રાસવાદીઓ સાથે ભીષણ અથડામણ થઇ હતી. સેનાના અધિકારીઓને શનિવારે મોડી રાત્રે માહિતી મળી હતી કે, કેટલાક ત્રાસવાદીઓ વન્ય વિસ્તારમાં છુપાયેલા છે. માહિતી મળ્યા બાદ સેનાની ૧૪ રાષ્ટ્રીય રાયફલના જવાનોએ વન્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓએ સેનાના જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો અને ભાગવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ એસઓજી અને સીઆરપીએફના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને વન્ય વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. સેનાએ પણ પનાર વિસ્તારમાં વન્ય વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ દ્વારા હાલમાં મોટાપાયે ઘુસણખોરી કરવામાં આવી રહી છે. રમઝાનના ગાળા દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આતંકવાદીઓ સતત હુમલા કરતા રહ્યા છે. રમજાનમાં યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રાસવાદી હિંસા વધી ગઇ છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પહેલા કરતા વધારે લોકોના મોત થયા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે. જેમાં પોલીસ અને સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે. શ્રીનગરના જુદા જુદા સ્થળ પર ૧૮ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. બે ડઝનથી વધારે લોકો ઘાયલ પણ થઇ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકો સામેલ છે. ૭૧ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૧૯ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના કારણે દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા રમઝાનમાં ઓપરેશન ઓલઆઉટ બંધ રાખવામાં આવ્યું છે પરંતુ ત્રાસવાદીઓના હુમલાના કેસમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.