જળ સંચય અભિયાન એક તરકટ ? ? ?

જળ સંચય અભિયાન એક તરકટ·

 જળ સંચય અભિયાન વાતોના વડા છે, તે 10 ટકા ગુજરાતીઓને પણ પાણી નહિ આપે

·        એક લાખ તળાવમાંથી માત્ર 13,000 ઊંડાં કરાયાં!

·        જમીન વિકાસ નિગમના સરકારી કૌભાંડને ઢાંકવા માટે જ જળ અભિયાન ચાલુ કરાયું

·        52 લાખ ખેડૂતો સામે 2.61 લાખ જ ખેત તલાવડી છે

·        રાજ્યનાં 55 ટકા ગામોમાં પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, ત્યાં “ટેન્કર રાજ” ચાલે છે.

 

ગુજરાત સરકાર દ્વારા જે જળ સંચય અભિયાન મે-2018માં એક માસ માટે ચલાવવામાં આવ્યું છે તે વર્ષોથી ચાલી આવતી સરકારી યોજનાઓ જ છે અને એમાં કશું જ નવું નથી. આ તરકટ ઊભું કરવા પાછળ સરકારનો સ્પષ્ટ અને દેખીતો હેતુ એ હતો કે સરકારની એ યોજનાઓનો અમલ જમીન વિકાસ નિગમ દ્વારા થતો હતો પણ એમાં ખૂબ જ ભ્રષ્ટાચાર પકડાયો. તેની સાબિતી નિગમના અધિકારીઓના ઓફિસના ટેબલનાં ખાનાંમાંથી લાખો રૂપિયા એસીબીના દરોડા દરમ્યાન રોકડા મળ્યા તેમાંથી મળી હતી. એટલે જ એ કૌભાંડ બહાર પડ્યાના ગણતરીના કલાકોમાં જ સરકારે મોટે ઉપાડે આ જળ અભિયાનની જાહેરાત કરી. આથી જળ સંચયની વિવિધ યોજનાઓ જમીન વિકાસ નિગમ પાસેથી લઇ લેવામાં આવી અને તે નર્મદા અને જળસંપત્તિ વિભાગને “સુજલામ સુફલામ”ના નામે આપી દેવામાં આવી.

હકીકત તો એ છે કે સુજલામ સુફલામ યોજના પોતે જ કરોડો રૂપિયાનું એક મોટું કૌભાંડ હતું. તેને વિષે તો કેગના અહેવાલોમાં ભારે ટીકાઓ થઇ હતી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને અન્ય સરકારી સમિતિઓએ સુજલામ સુફલામ યોજનાને કૌભાંડી જ જાહેર કરી હતી. અને એ કૌભાંડમાં તો કોઈ જ વ્યક્તિને સજા સુધ્ધાં થઇ નથી. તો પણ સરકારે એ જ નામે આ કહેવાતું જળ અભિયાન ચલાવ્યું એ આશ્ચર્યજનક છે.

આ અભિયાનના સંદર્ભમાં જે કેટલીક હકીકતો ધ્યાન ખેંચે છે તે નીચે મુજબ છે:   

(1) સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના રાજ્ય સરકાર ઘણા લાંબા સમયથી ચલાવે છે. તે યોજના હેઠળ જ રાજયમાં  ચેકડેમ, બોરીબંધ અને ખેત તલાવડી બાંધવામાં આવે છે. હવે સરકારે એ જ યોજનાને “સુજલામ સુફલામ જળ અભિયાન-2018” એવું નામ આપ્યું. એટલે કે સરકારે કોઈ નવી યોજના પાણીના સંગ્રહ માટે શરૂ કરી એવું છે જ નહિ.  

(2) સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ 2014-15માં 1,65,560 ચેકડેમ હતા અને 2018-19માં 1,68,895 થયા. આમ આ ચાર વર્ષમાં માત્ર 3,335 ચેકડેમ વધ્યા. આ  જ ગાળા દરમ્યાન બોરીબંધ 1,22,035 હતા જે વધીને 125,541 થયા એટલે કે 3,506નો વધારો થયો. વળી, ખેત તલાવડીઓ 2,61,785 હતી અને તે વધીને 2,61,988 થઇ એટલે કે તેમાં 203નો વધારો થયો. હવે 2018માં નવું નામ આપીને અભિયાન ચલાવાયું છે અને તેમાં લોકોને છેતરવામાં આવ્યા છે.

(3) રાજ્યમાં ખેડૂતોની સંખ્યા 52 લાખ છે અને ખેત તલાવડીઓની સંખ્યા માત્ર 2,61,785 છે એમ સરકાર પોતેજ કહે છે. આમ, ખેત તલાવડીઓ બાંધવા પર સરકારે પૂરતું ધ્યાન આપ્યું નથી આથી ખેતી  માટેનું પાણી ખેડૂતોને મળ્યું નથી. વળી, ખેત તલાવડીઓ ખરેખર કેટલી બની એ તો એક મોટો સવાલ છે જ કારણ કે જમીન વિકાસ નિગમનું જે કૌભાંડ બહાર આવ્યું તે જ તેની ખરાઈ સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે.    

(4) ગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર 13,000 જ ઊંડાં કરવા માટે આ અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્યું હોય તો પણ તે  10 ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ગણાય નહિ. તો બાકીની પ્રજાનું શું? 

(5) સરકાર પોતે જ કબૂલે છે  કે રાજ્યનાં 8,25૦ ગામો પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે, 2,791 ગામો ફલોરાઈડથી દૂષિત પાણી ધરાવે છે,455 ગામો નાઈટ્રેટવાળું પાણી ધરાવે છે અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ, કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. જો આ અભિયાન માત્ર 13,000 તળાવો ઊંડાં કરવા  માટે હોય તો આ સમસ્યા ક્યારે ઉકેલાશે?

(6) મુખ્ય પ્રધાને આ જળ અભિયાન વિષે એવી જાહેરાત પણ કરી હતી કે “તળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રૂપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના અપાશે.” પણ  હકીકત કંઈક જુદી જ છે. જેમ કે, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં આ અભિયાન માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને તેમાં મશીનો દ્વારા કામ કરવામાં આવ્યું અને નીકળેલી માટી એક ટ્રેકટરના રૂ. 300થી રૂ. 800 સુધીના ભાવે વેચવામાં આવી છે. એનો અર્થ એ થયો કે રૂ. 345 કરોડના આ કહેવાતા જળ અભિયાનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે.

(7) “રિચાર્જની સુચારુ વ્યવસ્થાના અભાવે ડાર્ક ઝોન વધી રહ્યા છે.” – આ ડહાપણ ભરેલા વાક્ય પછી તેના અમલની જવાબદારી કોની? એનો અર્થ એ થયો કે સરકારે પોતે જ રિચાર્જની સુચારુ વ્યવસ્થા ઊભી થાય તેને માટે કામ કર્યું નથી. વળી ઘણા તળવોમાં જમીનના ઢોળાવનો ખ્યાલ રખાયો ન હોવાથી પાણી તળવોમાં પ્રવેશી જ શકતું નથી.    

(8) સરકારે આ અભિયાન જાહેર કરતી વખતે એમ  પણ કહ્યું હતું  કે આ જળ અભિયાન પર દેખરેખ રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ રચાશે. જો સમિતિ હોય અને દેખરેખ રાખતી હોય તો તેને માટી વેચાઈ તેની પર શી દેખરેખ રાખી? સરકારે એ સમિતિનો અહેવાલ તત્કાલ જાહેર કરવો જોઈએ. સરકારને ભ્રષ્ટાચાર રોકવામાં રસ છે કે પછી ભ્રષ્ટાચારીઓના ચાલ, ચરિત્ર અને ચહેરા બદલવામાં રસ છે?

(9) મનરેગા હેઠળ 100 દિવસની રોજગારી દરેક પરિવારને આપવાની હોય છે. જો આ જળ અભિયાન હેઠળ જ ખર્ચ કરી નાખવામાં આવે તો આખા વર્ષ દરમ્યાન કેવી રીતે રોજગારી પૂરી પડી શકાશે? એનો અર્થ એ થયો કે મનરેગા હેઠળ આખું વર્ષ ગ્રામ વિસ્તારોમાં રોજગારી નહિ મળે.  

(૧૦) બીજી તરફ, શિક્ષકો પાસે ફરજીયાતપણે આ ઉનાળાના ધોમ ધખતા તાપમાં મજૂરી કરાવાઈ છે. સમગ્ર શિક્ષક સમાજનું આ શોષણ છે. ગુરુ અને આચાર્યને દેવ અને પૂજ્ય ગણાવાતી આ સંસ્કૃતિના ગુણગાન કરાવનારી સરકારે ૭૦ વર્ષમાં પહેલીવાર શિક્ષકોને મજૂર બનાવ્યા

            જો સરકાર આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેશે નહી તો યુવાનો લગતા વળગતા વિભાગની તાળાબંધી કરશે.

આ અખબારી નિવેદનમાં આપવામાં આવેલી માહિતી નીચે જણાવેલા સરકારી દસ્તાવેજોમાંથી લીધેલી છે: 

કામગીરી અંદાજપત્ર, નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગ, 2017-18.

સામાજિક-આર્થિક સમીક્ષા, 2014-15થી 2017-18.

૩. વિકાસ કાર્યક્રમ, 2014-15થી 2017-18.

૪. પ્રવૃત્તિની રૂપરેખા: 2014-15થી 2017-18.

૫. કેગના અહેવાલો.

૬. સરકારી જાહેરાતો અને જાહેરખબરો.

 

સુરેશચંદ્ર મહેતા

(ભૂતપૂર્વ મુખ્ય મંત્રી)

ગૌતમ ઠાકર

પીયુસીએલ, ગુજરાત

પ્રવીણસિંહ જાડેજા

(ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી)

મહેશ પંડ્યા

ગુજરાત સોશ્યલ વોચ

ડો. રોહિત શુક્લ

તંત્રી – અભિદૃષ્ટિ

હેમંતકુમાર શાહ

જાણીતા અર્થશાસ્ત્રી

રજની દવે

ગુજરાત સર્વોદય મંડળ

દેવ દેસાઇ

લોકશાહી બચાવો અભિયાન