ટ્રમ્પે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશ, આ સેના બનાવનાર US પહેલો દેશ

વોશિંગ્ટન: અમેરિકા અંતરિક્ષમાં પણ તેમની તાકાત વધારવા માટે સ્પેસ ફોર્સ બનાવવાનું આયોજન કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેંટાગનને સ્પેસ ફોર્સ બનાવવાનો આદેશ આપી દીધો છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણય અમેરિકાની ખાનગી સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પ્રમાણેની ફોર્સ બનાવનાર અમેરિકા પહેલો દેશ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય અંતરિક્ષ પરિષદમાં કહ્યું છે કે, જ્યારે અમેરિકાની રક્ષા કરવાની વાત આવે છે ત્યારે અંતરિક્ષમાં અમારી હાજરી પૂરતી નથી. અંતરિક્ષમાં પણ અમેરિકાની તાકાત હોવી જોઈએ. તેથી મે પેંટાગનને સ્પેસ ફોર્સ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની એરફોર્સ જેવી જ સ્પેસ ફોર્સ તૈયાર કરવામાં આવશે. પરંતુ તે તેના કરતા થોડી એડ્વાન્સ હશે. સ્પેસ ફોર્સની યોજનાથી રોજગારી મળવાની સાથે સાથે નાગરિકોનો વિશ્વાસ પણ વધશે.

સ્પેસફોર્સ અમેરિકન સેનાની છઠ્ઠી શાખા હશે

અમેરિકી રાષ્ટ્રપતિએ પહેલાં પણ આ સેના બનાવવા માટે પ્રેશર કર્યું હતું. અમેરિકા પાસે હાલના સમયમાં યુએસ આર્મી, એરફોર્સ,મરીન, નેવી અને કોસ્ટગાર્ડ છે. માનવામાં આવે છે કે, સ્પેસફોર્સ દ્વારા અમેરિકા ભવિષ્યમાં અંતરિક્ષમાં થનારી લડાઈ પણ લડી શકશે. સ્પેસ ઓપરેશન ઉપર નજર રાખવા માટે પણ આ ફોર્સનો ઉપયોગ કરી શકાય છે.