ટ્રેડ વોરની સ્થિતિની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિના એંધાણ

બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક પર નજર
ટ્રેડ વોરની સ્થિતિની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિના એંધાણ
બ્રાઝિલ, મેક્સિકો સહિત કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકની પણ મહત્વની બેઠક ઓપેક દેશો સ્વૈચ્છિકરીતે તેલ ઉત્પાદનની મર્યાદા હળવી કરવા માટે ઇચ્છુક

મુંબઇ,તા. ૧૭
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ઉતારચઢાવની સ્થિતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે કારોબારીઓ હાલ સાવધાન રહી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ વચ્ચે યોજાયેલી બેઠક અને આ બેઠકમાં નિશસ્ત્રીકરણ માટે કરવામાં આવેલી સમજૂતિ બાદ છેલ્લા સપ્તાહમાં તેજી રહી હતી. બીજી બાજુ અમેરિકાએ ચીન ઉપર જંગી ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે. આના કારણે કારબારીઓમાં નિરાશા રહી શકે છે. દલાલ સ્ટ્રીટમાં યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારવાના નિર્ણયની કોઇ અસર દેખાઈ નથી. છેલ્લા સપ્તાહમાં એનએસઈ ઇન્ડેક્સ ૦.૪૬ ટકા સુધરીને બીએસઈમાં સાપ્તાહિકરીતે ૦.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. ટ્રેડવોરની સ્થિતિ, ઇસીબીની બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક, નવા આઈપીઓ જેવા પરિબળોની બજાર ઉપર અસર રહી શકે છે. ચીની આયાત ઉપર ટ્રમ્પે ગયા સપ્તાહમાં જ પ્રતિબંધ લાદ્યો હતો. જેથી ટ્રેડવોર બે સૌથી મોટી આર્થિક સત્તા વચ્ચે શરૂ થયો છે. ભારત સરકારે પણ અમેરિકાના પગલાના જવાબમાં ૩૦ વસ્તુઓ ઉપર આયાત ટેરિફમાં વધારો કરી દીધો હતો. માર્ચ મહિનામાં એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત ઉપર અમેરિકાએ વધારાના ટેરિફ લાગૂ કરવાના નિર્ણય બાદ ભારત સરકારે આ કાર્યવાહી કરી હતી. ઓપેકની બેઠક ૨૨મી અને ૨૩મી જૂનના દિવસે મળનાર છે જેમાં પ્રોડક્શન સમજૂતિની સમીક્ષા કરવામાં આવી શકે છે. ઓપેક અને રશિયા સહિતના અન્ય નિકાસકારો સ્વૈચ્છિકરીતે ઉત્પાદનની મર્યાદા હળવી કરવા માટે ઇચ્છુક છે. ત્રણ દિવસીય ઇસીબીની બેઠક સોમવારના દિવસે શરૂ થનાર છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ગુરુવારે મળશે જેમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. આ વખતે વ્યાજદર યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ બ્રાઝિલ, મેક્સિકો, તાઈવાન, ફિલિપાઈન્સ, થાઇલેન્ડ જેવા દેશોના સેન્ટ્રલ બેંકની બેઠક પણ યોજાનાર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો.