તા. ૬ થી ૮ સુધીમાં મહારાષ્‍ટ્ર-ગોવામાં ચોમાસુ બેસી જશે

તા. ૬ થી ૮ સુધીમાં મહારાષ્‍ટ્ર-ગોવામાં ચોમાસુ  બેસી જશે

તા. ૪ : ગઈકાલે અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને ખાબક્‍યા હતા. સુરતમાં પણ પ્રિમોન્‍સૂન વરસ્‍યો હતો. તા.૪ થી ૮ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્‍યકત કરી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં વધુ સંભાવના છે.

હવામાન વિભાગે કહ્યું છે કે તા.૬ થી ૮ જૂન દરમિયાન મહારાષ્‍ટ્ર અને ગોવામાં ચોમાસુ ચોક્કસ બેસી જશે. આ દિવસોમાં મુંબઈમાં ભારે વરસાદ પડશે. હવામાન ખાતાની એક ખાનગી સંસ્‍થાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરી છે.

દરમિયાન ગઈકાલે અમરેલી અને સૌરાષ્‍ટ્રમાં પ્રિમોન્‍સૂન એકટીવીટીનો વરસાદ પડયો હતો. આજથી ચાર દિવસ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે. રાજકોટમાં ૭મીના ગુરૂવારે પ્રિમોન્‍સૂન વરસાદની સંભાવના છે. આજે સવારે પણ વાદળો છવાયા હતા. ગરમીમાં આંશિક ઘટાડો થયો છે પણ અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે ભેજનું પ્રમાણ હજુ વધશે જેથી ઉકળાટ બફારાનો અનુભવ થશે. જયારે વેસ્‍ટ કોસ્‍ટ એટે કે કન્‍યાકુમારીથી વેરાવળના દરિયાઈ પટ્ટાના વિસ્‍તારમાં પ્રિમોન્‍સૂન એકટીવીટીનો વરસાદ વધુ પડશે.

જયારે અમદાવાદીઓને હજુ ચાર – પાંચ દિવસ બફારો અને ગરમી સહન કરવી પડશે. ૯ જૂન બાદ વરસાદી ઝાપટાની સંભાવના છે.