ત્રાસવાદી ઘટનાને કારણે છેલ્લા ૨૦ દિવસના ગાળામાં ત્રણ ડઝનથી વધુ લોકોના મોત, કુતરાની પૂંછડી સીધી ન થાય

ત્રાસવાદી ઘટનાને કારણે છેલ્લા ૨૦ દિવસના ગાળામાં ત્રણ
ડઝનથી વધુ લોકોના મોત, કુતરાની પૂંછડી સીધી ન થાય
કાશ્મીર : રમઝાનમાં યુદ્ધવિરામ દરમિયાન ત્રાસવાદી ઘટના વધી
શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામની અસર ન થઈ : આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા : રિપોટ

એજન્સી દ્વારા શ્રીનગર,તા. ૭
કહેવાય છે કે કુપાત્રને દાન ન કરાય, વ્યવહાર હોય કે રાજકારણ, ઈંટનો જવાબ પથ્થર જ હોય, પણ કોણ જાણે કેમ, ભારત સરકાર વધારે ઉદારવાદી હોય તેમ જણાઈ રહેલ છે, કેન્દ્ર સરકારે જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુથી રમજાનના પવિત્ર મહિના દરમિયાન ત્રાસવાદીઓ સામે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અંકુશ રેખા સામે પણ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી હતી. પરિણામ એ આવ્યું કે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ બિનઅસરકારક સાબિત થયા છે. રમજાનમાં યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રાસવાદી હિંસા વધી ગઇ છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પહેલા કરતા વધારે લોકોના મોત થયા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે. જેમાં પોલીસ અને સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે. શ્રીનગરના જુદા જુદા સ્થળ પર ૧૮ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. બે ડઝનથી વધારે લોકો ઘાયલ પર્ણ થઇ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકો સામેલ છે. ૭૧ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદીઓએ અમરનાથ યા૬ા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૧૯ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના કારણે દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. રમજાનના પવિત્ર મહિના દરમિયાન ત્રાસવાદીઓ રક્તપાત સર્જવા માટેની તૈયારી કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ૨૦ ત્રાસવાદીઓ ઘુસી ગયા બાદ હુમલાની દહેશત ફરી એકવાર પ્રવર્તી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળોને સાવધાન રહેવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓના સંદર્ભમાં વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ તમામ સુરક્ષા સંસ્થાઓને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે રમજાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકારે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી ત્રાસવાદી ગતિવિધીમાં સતત વધારો થયો છે. ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો સતત ભંગ કરીને અવિરત ગોળીબાર કરવામાં આવ્યો છે. ૧૪૩માંથી ત્રણ ડઝન લોકો રમઝાન મહિનામાં યુદ્ધવિરામ દરમિયાન માર્યા ગયા છે. ૨૦૧૭ની શરૂઆતમાં ખીણમાં ત્રાસવાદી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે તેમ કહીને કેન્દ્ર સરકારે ત્યાં નવેસરથી ત્રાસવાદીઓની શોધખોળ હાથ ધરી હતી. એમ કહેવામાં આવે છે કે, ૧૫ વર્ષમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિપક્ષી દળોની રજૂઆત કરતા મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન યુદ્ધવિરામ રાખી શકાય છે. પોતાના નિર્ણયમાં સરકારે પણ કહ્યું હતું કે, જવાનો દ્વારા નવા કોઇ ઓપરેશન હાથ ધરવામાં આવશે નહીં પરંતુ તેમના પર કોઇ હુમલા કરવામાં આવશે તો જવાબી કાર્યવાહી કરાશે.