નિફ્ટી કારોબારના અંતે ૧૦૭૪૧ની સપાટીએ શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૧૫ પોઇન્ટ સુધી ઘટીને બંધ

નિફ્ટી કારોબારના અંતે ૧૦૭૪૧ની સપાટીએ
શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૧૫ પોઇન્ટ સુધી ઘટીને બંધ
નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ બે ટકા ઘટાડા સાથે બંધ

મુંબઇ,તા. ૨૧
ભારતીય શેરબજારમાં આજે મંદીનો ઓછાયો જોવા મળ્યો હતો. સેંસેક્સ ૧૧૫ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૭૪૧ પોઇન્ટે સ્થિર થયો હતો. એટલે કે તેમાં ૩૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં આજે કોઇ મહત્વના ડેવલપમેન્ટ નોંધાયા ન હતા. એસ એન્ડ પી અને બીએસઈ સેંસેક્સ ૧૧૫ પોઇન્ટના ઘટાડા સાથે ૩૫૪૩૨ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૩૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૧ની સપાટીએ સ્થિર થયો હતો. આજે સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના શેરોમાં ઘટાડો નોંધાયા બાદ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ બે ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. ટ્રેડવોરની સ્થિતિ, ઇસીબીની બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક, નવા આઈપીઓ જેવા પરિબળોની બજાર ઉપર અસર રહી શકે છે. ઓપેકની બેઠક ૨૨મી અને ૨૩મી જૂનના દિવસે મળનાર છે જેમાં પ્રોડક્શન સમજૂતિની સમીક્ષા કરવામાં આવી શકે છે. ઓપેક અને રશિયા સહિતના અન્ય નિકાસકારો સ્વૈચ્છિકરીતે ઉત્પાદનની મર્યાદા હળવી કરવા માટે ઇચ્છુક છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ગુરુવારે મળશે જેમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. આ વખતે વ્યાજદર યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બ્રાઝિલ, મેક્સિકો, તાઈવાન, ફિલિપાઈન્સ, થાઇલેન્ડ જેવા દેશોના સેન્ટ્રલ બેંકની બેઠક પણ યોજાનાર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો.