the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સિલ બેઠક સંપન્ન ગુજરાતની પાથ બ્રેકીંગ સિદ્ધિઓ- જનકલ્યાણ યોજનાઓના વ્યાપક અમલની પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રીશ્રી

પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સિલ બેઠક સંપન્ન

ગુજરાતની પાથ બ્રેકીંગ સિદ્ધિઓ- જનકલ્યાણ યોજનાઓના વ્યાપક અમલની પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રીશ્રી

શ્રી વિજયભાઈ રૂપાણી

  • ગુજરાતે સમાજના દરેક વર્ગને કલ્યાણ યોજનાનાં વ્યાપક લાભ સુનિશ્ચિતપણે પહોંચાડ્યા છે
  • સુજલામ સુફલામ જળ અભિયાનથી 12000 લાખ ઘનફુટ જનસંગ્રહ ક્ષમતા વધી છે
  • દેશનાં રાજ્યોનાં મુખ્યમંત્રીશ્રીઓને જળવ્યવસ્થાપનની ગુજરાતની સિદ્ધિઓ પ્રત્યક્ષ નિહાળવા ગુજરાત આવવા ઈંજન
  • દોઢ દાયકામાં રાજ્યનો સરેરાશ કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટ થયો
  • ઈ-વે બીલમાં ભારતભરમાં ગુજરાત અવ્વલ
  • જી.એસ.ટી.માં 4.25 લાખ વધારાના કરદાતાઓ ગુજરાતમાં વધ્યા

.. .. .. .. .. ..

        નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી રૂપાણીએ ઈનોવેટીવ અને પાથ બ્રેકીંગ ઈનિશિયેટીવ્સના કારણે છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતે સાધેલી પ્રગતિની જાણકારી આપી હતી.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં ભાગ લેતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ રાજ્ય સરકારે સુપેરે પહોંચાડ્યા છે.

        આ બેઠકમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિઝિટની વૃદ્ધિ થઇ છે. રાજ્ય સરકારની જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી. જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતરના ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે. સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવત્તાની જાણકારી વ્યાપકરૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઇરીગેશન માટે સબસિડી પણ સરકાર આપે છે. સુક્ષ્મ સિંચાઇ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ૪૧ લાખ એકર કરતા વધુ ખેતીલાયક જમીનને લાભ આપવામાં આવ્યો છે.

         સામાન્ય અને સીમાંત ખેડૂતોને 70 ટકા અને અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતોને 85 ટકા સુધી આર્થિક મદદ આપવામાં આવે છે. આ સાથે ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે કૃષિ ધિરાણ ઉપલબ્ધ કરાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 4,900 કરોડના મૂલ્યની લગભગ 10 લાખ 75 હજાર મેટ્રિક ટન મગફળી, કપાસ, રાયડો, ચણા અને તુવેર દાળને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવ્યા છે.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે તેને હાંસલ કરવા ગુજરાત સરકાર સફળ રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની સફળતા વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, 12000 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે અને 32 નદીઓ પુનર્જીવિત થઇ છે. આ અભિયાનમાં  13,000થી વધુ તળાવ-ચેકડેમને ઊંડા કર્યાં અને 5,000 કિ.મી.થી વધુની નહેરોની સફાઈ કરવામાં આવી છે. આ અભિયાનથી 2.62 લાખ નાગરિકોને 82 લાખ માનવદિનની રોજગારી પ્રાપ્ત થઈ હતી.

         શ્રી રૂપાણીએ રાજ્યમાં વધી રહેલા મેડિકલ ટુરીઝમનો ઉલ્લેખ કરી ગૌરવભેર જણાવ્યું હતું કે, ગુજરાતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સેવાઓ અને સુવિધાઓ તેમજ રાજ્ય સરકારની પ્રોગ્રેસિવ હેલ્થ પોલિસી થકી ગુજરાતને હેલ્થ સેક્ટરમાં શ્રેષ્ઠ બન્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના આજે લાખો લોકો માટે જીવનદાયી યોજના બની ગઈ છે. 50 લાખથી વધુ પરિવાર આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે.

         વડાપ્રધાન શ્રી મોદીએ આરંભ કરેલી આયુષ્યમાન ભારત યોજના અંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાને રાજ્યમાં યોગ્ય રીતે અમલી બનાવવા ગુજરાત પૂરી રીતે સજ્જ છે. આ અંગે તમામ પ્રાથમિક તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. આ યોજનાના અમલમાં પણ ગુજરાત અવ્વલ રહેશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

        શ્રી રૂપાણીએ ગરીબ-જરૂરિયાતમંદ મહિલા અને બાળકોને પોષણ આપવા ગુજરાત સરકારે શરૂ કરેલી દૂધ સંજીવની યોજના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યનાં 20 જિલ્લામાં આ યોજના કાર્યરત છે. સપ્તાહમાં બે વખત નવજાત શિશુ અને ગર્ભવતી માતાઓને પોષણયુક્ત ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આ સાથે તેમણે ટૂંક સમયમાં જ ગુજરાતમાં ટીએચઆર-ટેક હોમ રાશન યોજના શરૂ કરવા અંગેની માહિતી આપી હતી. દાહોદ અને નર્મદા જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લાની શ્રેણીમાં મૂક્યાં છે અને આ જિલ્લાઓના સામાજિક-આર્થિક માપદંડો ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યાં હોવાનું મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

        રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છે તે અંગે ગૌરવ વ્યક્ત કરતા શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત ઈ-વે બીલ જનરેશનમાં દેશભરમાં અગ્રેસર છે,

        રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ગુજરાત તેમના માતૃરાજ્ય તરીકે ભવ્ય રીતે મોટાપાયે ઉજવશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ બેઠકની ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અહિંસાના ફરિશ્તા ગાંધીજી સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓએ માળખાગત સુવિધાઓ વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતે બીજી ઓક્ટોબર, 2017ના દિવસે જ ઓપન ડેફિકેશન ફ્રી સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે.

        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા ગુજરાત ઝડપભેર કામ કરી રહ્યું હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, લોકોને આવશ્યક સેવાઓ ઝડપથી મળે તે આશય સાથે ગુજરાતે ઇ-ગવર્નન્સ, ઓનલાઇન સર્વિસિસ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સારી પ્રગતિ સાધી છે. ગુજરાતે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર હેઠળ ખાસ સેલની રચના કરી છે. જે અંતર્ગત 169 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

        આ ઉપરાંત, વોટર ગ્રીડ, સુઆયોજિત જળ વ્યવસ્થાપન અને પાણીના સંચયિત ઉપયોગના કારણે તાજેતરમાં જ નીતિ આયોગે ગુજરાતને કમ્પોઝિટ વોટર ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમનું રાજ્ય જાહેર કર્યું છે. તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને ગુજરાતનું વોટર મેનેજમેન્ટ મોડેલ નિહાળવા આમંત્રણ પાઠવ્યું હતું.

        આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશબોર્ડ, પોકેટકોપ એપ, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ પેમેન્ટ, નમો ઈ-ટેબલેટ, નમો વાઈ-ફાઈ, જ્ઞાનકુંજ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ જેવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપલબ્ધિ અંગે માહિતી આપી હતી.