પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગાયબ, શંકરાચાર્યએ નોંધાવ્યો વિરોધ

પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી કથિત રીતે ગાયબ થઈ ગઈ છે. આને લઈને પુરીના શંકરાચાર્ય અને રાજ્યમાં વિપક્ષી પાર્ટી બીજેપીએ વિરોધ નોંધાવ્યો છે.

શ્રી જગન્નાથ મંદિર પ્રબંધક કમિટીના સભ્ય રામચંદર દાસ મહાપાત્રાએ જણાવ્યું કે, 4 એપ્રિલે કમિટીની બેઠક થઈ, જેમાં આ વાત સામે આવી છે કે, ખજાનાના અંદરના રૂમની ચાવી ગાયબ થઈ ગઈ છે. ઓડિશા હાઈકોર્ટના આદેશ પછી 16 સભ્યોની એક ટીમે 34 વર્ષ પછી તપાસ માટે તે રૂમમાં પ્રવેશ કર્યો, જે રૂમમાં ખજાનો રાખવામાં આવ્યો હતો.

શ્રી જગન્નાથ મંદિર પ્રબંધનના એક અધિકારીએ જણાવ્યું કે, તપાસ ટીમના સભ્યોને અંદરના રૂમમાં જવાની જરૂરત નહતી, કેમ કે આ રૂમમાંથી જ અંદર જોઈ શકાતું હતું. દાસ મહાપાત્રએ જણાવ્યું કે, મંદિર પ્રશાસન કે જિલ્લા પુરી કોષાગાર પાસે પણ આ ચાવી નથી. આ વાતની ખબર બે મહિના પછી પડી છે.

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ સોમવારે આ ઘટના માટે ઓડિસા સરકારની ટીકા કરી છે. જ્યારે બીજેપીએ મુખ્યમંત્રી નવીન પટનાયકને આ ઘટનાને લઈને સ્પષ્ટીકરણ આપવાની માંગ કરી છે. શંકરાચાર્યએ કહ્યું કે, આ ઘટના જણાવે છે કે, રાજ્ય સરકાર અને મંદિર પ્રશાસન પોતાની જવાબદારીને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

રાજ્યમાં ભાજપના પ્રવક્ત પીતામ્બર આચાર્યએ પત્રકારોને જણાવ્યુ કે, મુંખ્યમંત્રીને તે માટે સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે, ચાવી કેવી રીતે ગાયબ થઈ અને તેના માટે કોણ જવાબદાર છે.

ઓડિશા હાઈકોર્ટ 2016થી મંદિરમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા થઈ રહેલ મંદિરના પુનરૂદ્ધારના કામ પર નજર રાખી રહ્યાં છે.