બદનક્ષી કેસમાં રાહુલ વિરૂદ્ધ વિધિવતરીતે આરોપો ઘડાયા

૧૦મી ઓગસ્ટના દિવસે મામલામાં સુનાવણી
બદનક્ષી કેસમાં રાહુલ વિરૂદ્ધ વિધિવતરીતે આરોપો ઘડાયા
રાહુલની મુશ્કેલીઓ વધે તેવા સંકેત : ભાજપ અને સંઘના લોકો તેમની સામે કેસો ખોલી રહ્યા છે પરંતુ તેઓ જીતશે

નવી દિલ્હી,તા. ૧૨
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલી પણ વધી રહી છે. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સામે આજે આરોપો ઘડવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે, તેમની સામે કોઇપણ પ્રકારનો કેસ બની રહ્યો નથી. નિર્દોષ હોવાની વાત રાહુલ ગાંધીએ કરી હતી. વર્ષ ૨૦૧૪માં સંઘના કાર્યકર દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસના સંબંધમાં રાહુલ ગાંધીએ આજે ભિવંડી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. મોડેથી રાહુલ ગાંધીએ લોકો સાથે વાતચીત પણ કરી હતી. રાહુલ ગાંધીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યા પછી આરોપો તેમને વાંચીને સંભાળવવામાં આવ્યા હતા. કોર્ટે આ મામલામાં ૧૦મી ઓગસ્ટના દિવસે વધુ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ સામે આ કેસ ૨૦૧૪માં દાખલ કરાયો હતો. રાહુલે ૨૦૧૪માં ભિવંડી ખાતેની એક રેલીમાં કહ્યું હતું કે, સંઘ મહાત્મા ગાંધીની હત્યામાં સીધીરીતે સામેલ છે. કોર્ટ રુમ ખાતે કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો દ્વારા તેમની સામે શ્રેણીબદ્ધ કેસ ફટકારવામાં આવી રહ્યા છે. તેઓ આ તમામ કેસો લડવા માટે તૈયાર છે. કેસ લડીને તેઓ જીત મેળવશે. કારણ કે તેમની સામે કોઇપણ આરોપો સાબિત થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતુ ંકે, તેમને બિનજરૂરીરીતે હેરાન કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. જજે પણ રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો કર્યા હતા. ફરિયાદીએ કહ્યું છે કે, સંસ્થાને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ સંસ્થા આરએસએસ છે. ફરિયાદી અને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે તેમ ફરિયાદી કહે છે. આ પ્રકારના આક્ષેપોની કોપી મળી છ કે કેમ તેવો પ્રશ્ન જજ દ્વારા રાહુલ ગાંધીને કરવામાં આવ્યા બાદ રાહુલે હકારાત્મક જવાબ આપ્યો હતો. ગયા મહિનામાં ભિવંડી કોર્ટે પોતાની અરજીના સંદર્ભમાં નિવેદન નોંધવા ૧૨મી જૂનના દિવસે ઉપસ્થિત થવા કોંગ્રેસ પ્રમુખને કહ્યું હતું કે, સાથે કોર્ટે રાહુલની અરજી પર દલીલો પણ સાંભળી હતી. સમરી ટ્રાયલના બદલે પુરાવાના નિવેદન નોંધવાની માંગણી કરવામાં આવી હતી. આ પ્રકારના કેસોમાં ટ્રાયલ સામાન્યરીતે સમરીની દ્રષ્ટિએ ચાલે છે. રાહુલે એપ્રિલ મહિનામાં અરજી દાખલ કરીને સમન્સ ટ્રાયલ માટેની માગં કરી હતી. રાહુલના વકીલે આજે કહ્યું હતું કે, સમરી ટ્રાયલ ટૂંકાગાળાની હોય છે જેમાં લેખિત દલીલો રજૂ કરવાની હોય છે પરંતુ અમે સમન્સ ટ્રાયલની માંગ કરી હતી જેમાં પુરાવા નોંધવામાં આવશે. આ કેસને રદ કરવાની માંગણી કરીને રાહુલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી છે. જો કે, સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૧૬માં કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખે કોઇપણ સંસ્થાના સંદર્ભમાં નિવેદન કરવા જોઇએ નહીં. કોંગ્રેસ પ્રમુખે ટોપ કોર્ટના સુચનને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. સાથે સાથે ટ્રાયલનો સામનો કરવાની તૈયારી પણ દર્શાવી હતી. પોતાના સૂચન બદલ માફી માંગી લેવાનું સુચન સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવ્યું હતું પરંતુ રાહુલ ટ્રાયલનો સામનો કરવા તૈયાર થયા.