ભાજપે આજે તાકિદની મીટિંગ બોલાવીઃ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન?

અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ભાજપના મંત્રીઓ, ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યાં

જમ્મુ-કાશ્મીર: હિંસાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં ઈદ સુધી સૈન્યના હાથ બાંધી રાખવાની ભૂલ કરીને પસ્તાયેલી કેન્દ્ર સરકાર હવે ‘બુંદ સે ગઈ હોજ સે વાપસ’ લાવવાની મથામણમાં હોય તેમ જણાય છે. સોમવારે મોડી રાત્રે ભાજપના કેન્દ્રિય કાર્યલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ભાજપના તમામ મંત્રીઓ સહિત દરેક ધારાસભ્યોને મંગળવારે બપોરે દિલ્હી હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બોલાવેલી આ તાકિદની બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવશે.

ઓપરેશન AllOutને છૂટો દોર આપવા રાષ્ટ્રપતિ શાસનના એંધાણ?

રાજ્યમાં પરિસ્થિતિ ક્યારની બેકાબૂ જઈ ચૂકી છે ત્યારે સેનાની માગણીને ધ્યાનમાં રાખીને ઓપરેશન ઓલઆઉટનો આરંભ કરી દેવાયો છે. અલગતાવાદીઓ અને પાકિસ્તાનતરફીઓ સામે કડક હાથે કામ લેવા અંગે સૈન્યને છૂટો દોર આપ્યા બાદ હવે ભાજપે રાજકીય મોરચે પણ સિકંજો કસવાનો નિર્ધાર કર્યો જણાય છે. એ મુજબ, રાજ્યના ભાજપના તમામ ધારાસભ્યોને તેમજ મહેબુબા સરકારમાં સામેલ ભાજપના મંત્રીઓને મંગળવારે પક્ષના મુખ્યાલયે તાકિદની બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે.

– આ બેઠકનો સત્તાવાર એજન્ડા રાજ્યની સ્થિતિ વિશે વિમર્શ અંગેનો છે, પરંતુ તેમાં ગવર્નર બદલવાથી માંડીને ચૂંટાયેલી સરકારને સુષુપ્ત કરીને સમગ્ર રાજ્ય સૈન્યના હવાલે કરવા સહિતના કડક પગલાંઓની વિચારણા થઈ શકે છે.

 2019 ચૂંટણી પહેલા સરકારે અસરકારક પગલા લેવા જરૂરી….

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પીડીપી સાથે ભાજપની સત્તામાં ભાગીદારી છે અને જમ્મુ-કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવામાં એનડીએ સરકાર સરિયામ નિષ્ફળ નીવડી હોવાની છાપ ઉપસી રહી છે. એ સંજોગોમાં 2019ની ચૂંટણી પહેલાં સરકારે અસરકારક પગલાં લેવા જરૂરી બને છે. તેમાં મંગળવારની સૂચિત બેઠક નિર્ણાયક બની શકે છે.