ભારત ફોર્જ લિમિટેડે ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેવ્વા મોટર્સ (જર્સી) લિમિટેડમાં વ્યૂહાત્મક હિસ્સો ખરીદ્યો

ભારત ફોર્જ લિમિટેડે ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેવ્વા મોટર્સ (જર્સી) લિમિટેડમાં વ્યૂહાત્મક હિસ્સો ખરીદ્યો

 

ભારત ફોર્જ લિમિટેડ (ભારતફોર્જ)એ આજે ટેવ્વા મોટર્સ (જર્સી) લિમિટેડ (ટેવ્વા)માં 10 મિલિયન પાઉન્ડનું વ્યૂહાત્મક રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ટેવ્વી મોટર્સ (જર્સી) લિમિટેડની રચના અને નોંધણી કંપની (જર્સી) ધારા, 1991 હેઠળ થઈ છે. કંપની બ્રિટનનાં ચેમ્સફોર્ડથી પોતાની કામગીરી કરે છે.

 ટેવ્વા 7.5-14 ટન વેઇટ કેટેગરીમાં કમર્શિયલ વ્હિકલ્સ અને બસ માટે ઇલેક્ટ્રિક પાવરટ્રેન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ટૂંક સમયમાં કંપની નવા કમર્શિયલ વાહનો, ખાસ કરીને ટ્રકો અને બસો માટે સોલ્યુશન વિકસાવશે.

 ટેવ્વાની માલિકીની પેટેન્ટ ધરાવતાં સોફ્ટવેર પ્રીડિક્ટિવ રેન્જ એક્ષ્ટેન્ડેર મેનેજમેન્ટ સિસ્ટમ (પીઆરઇએમએસ)નો ઉપયોગ કરીને આ નવીન વાહનો સક્રિય અને સ્વાયત્ત રીતે રેન્જ એક્ષ્ટેન્ડરનાં ઉપયોગનું મેનેજમેન્ટ કરે છે, જેથી કાર્બનનાં ઓછાં ઉત્સર્જન માટે નક્કી કરેલા ઝોન અને શહેરનાં અન્ય કેન્દ્રોમાં ઇલેક્ટ્રિક વાહનોની જ અવરજવર થાય એવું સુનિશ્ચિત થશે.

 છેલ્લાં થોડાં વર્ષોથી ભારત ફોર્જ ઇલેક્ટ્રિક વ્હિકલ સ્પેસમાં પોતાની સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) તથા ટેકનોલોજી માટેની વ્યૂહરચના પર કામ કરે છે. ઇલેક્ટ્રિક વ્હિકલ સ્પેસમાં ભારત ફોર્જનું આ ત્રીજી મોટું રોકાણ છે, જેની શરૂઆત બ્રિટનનાં મોટર ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (એમઆઇઆરએ)માં એન્જિનીયરિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત સાથે થઈ હતી. પછી કંપનીએ ટોર્ક મોટરસાયકલ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયા (આ ઇલેક્ટ્રિક ડ્રાઇવ ટ્રેન કંપની છે, જે મુખ્યત્વે ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ અને/અથવા પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર કેન્દ્રિત છે)માં રોકાણ કર્યું હતું.

 આ રોકાણનાં બળે ભારત ફોર્જે ભારતની અંદર ટેવ્વા ટેકનોલોજીનાં વાણિજ્યિકરણ માટે લાઇસન્સ પણ મેળવ્યું છે તથા ઇ-મોબિલિટી સ્પેસમાં તેની સંશોધન અને વિકાસની કામગીરીઓને મજબૂત કરી છે.

 ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે, જેમાં મોખરે રહેવામાં ભારત ફોર્જનું આ રોકાણ તેની પોઝિશનને મજબૂત કરશે. આ રોકાણની મદદથી કંપની ટેકનોલોજીનાં નવા ટ્રેન્ડને ઓળખી શકશે તથા ભારત અને વિદેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટી માટે ભાગીદારીમાં સોલ્યુશન વિકસાવી શકશે. ભારત ફોર્જનો ઉદ્દેશ ઓઇએમની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ ઉત્પાદનોનું નિર્માણ કરવાનો છે, જેથી વાહનદીઠ તેની આવકમાં વધારો થાય.

 ટેવ્વાની સ્થાપના 4 વર્ષ અગાઉ કંપનીનાં સીઇઓ એશર બેનેટ્ટે કરી હતી, જેમાં મહત્ત્વપૂર્ણ રોકાણ એન્જલ કંપની ફંડે (બ્રિટિશ બિઝનેસ બેંકનો ભાગ) કર્યું હતું. અત્યારે કંપની બ્રિટનમાં કાર્યરત છે. શ્રી બેનેટ્ટે કહ્યું હતું કે, ભારત ફોર્જ અમારી વ્યૂહાત્મક પાર્ટનર કંપની હોવાથી અમને અમારી વૃદ્ધિલક્ષી પહેલોને વેગ આપવામાં મદદ મળશે. ઉપરાંત ટેવ્વાનાં વાહનો અને સોલ્યુશન્સને કોઈ પણ દેશમાં વધારે સારો પ્રતિસાદ મળશે. કંપની કમર્શિયલ વાહનોનાં ઇલેક્ટ્રિફિકેશન માટે જરૂરી માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાનાં પ્રાથમિક
તબક્કામાં છે.

 ટેવ્વાનાં ચેરમેન એડવર્ડ હાઇમ્સે ભારત ફોર્જનાં રોકાણને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે, આ નવું ફંડિંગ ટેવ્વાને બ્રિટનમાં કંપનીને તેની કામગીરીને વધારવા સક્ષમ બનાવશે તથા લંડન અને લીડ્સ જેવા શહેરોમાં કાર્બનનાં ઝીરો ઉત્સર્જનની જરૂરિયાતો ધરાવતાં ઝોનમાં વધારે ઇલેક્ટ્રિક ટ્રકોને દોડાવવા માટે મદદરૂપ થશે.

 ભારત ફોર્જ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બાબા કલ્યાણીએ આ રોકાણ પર કહ્યું હતું કે, આ ભારત અને દુનિયાભરમાં અમારાં ગ્રાહકોને અત્યાધુનિક ઇવી પાવરટ્રેન સોલ્યુશન આપશે. ટોર્ક મોટરસાયકલમાં ચાલુ કામગીરી સાથે આ રોકાણ ભારત ફોર્જને 2-વ્હીલર અને કમર્શિયલ વ્હિકલ ઇવી સ્પેસની વધારે સારી સમજણ મેળવવા સક્ષમ બનાવશે.

 ભારત ફોર્જ વિશે

ભારત ફોર્જ લિમિટેડ (બીએફએલ) પૂણે સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે. આ કંપની વિવિધ ખંડોમાં 10 કેન્દ્રોમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે મેટલ ફોર્મિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રણી છે. કંપની ઓટોમોટિવ, પાવર, ઓઇલ અને ગેસ, નિર્માણ અને ખાણકામ, રેલ, મેરિન અને એરોસ્પેસ સહિત કેટલાંક ક્ષેત્રોને પોતાનાં ઉત્પાદનો પૂરાં પાડે છે. વિશ્વમાં 10,000 કર્મચારીઓ સાથે 2.5 અબજ ડોલરનાં કલ્યાણી ગ્રૂપની કંપની બીએફએલ અત્યારે આ વિસ્તારમાં મેટલર્જિકલ જાણકારીમાં સૌથી વધુ કુશળતા ધરાવે છે તથા વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા પોતાનાં મોટાં ગ્રાહકોને વિચારથી ઉત્પાદનની ડિઝાઇન, ઇજનેરી, ઉત્પાદન, પરીક્ષણ અને માન્યતા સુધીની સેવા આપવા સુધીની સંપૂર્ણ સેવા આપે છે.