માણસા ખાતે દલિત યુવકનો વરઘોડો અટકાવાતાં વિવાદ

ઘટનાને લઇ દલિત સમાજમાં ઉગ્ર રોષની લાગણી
માણસા ખાતે દલિત યુવકનો વરઘોડો અટકાવાતાં વિવાદ
દલિત યુવકને લગ્નટાણે અપમાનિત કરાતાં દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારને આડા હાથે લીધી

અમદાવાદ,તા. ૧૭
ગુજરાતમાં દલિત અત્યાચાર દિવસે ને દિવસે જાણે વધી રહ્યા છે. રોજ નવા નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે દલિત યુવાનનો વરઘોડો અટકાવ્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને દલિત સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. દલિત યુવકનો વરઘોડો અટકાવાતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને પોલીસે લોખંડી બંદોબસ્ત સાથે યુવકના લગ્ન સંપન્ન કરાવ્યા હતા અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે હેતુથી ગામમાં વધારાનો બંદોબસ્ત પણ તૈનાત કરી દીધો હતો. બીજીબાજુ, દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ઘટનાને લઇ ફરી એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટવીટ્‌ કરી તેને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું. ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકામાં આવેલા પારસા ગામે આજરોજ એક દલિત યુવાનનો વરઘોડો નીકળ્યો હતો. ઘોડી ઉપર સવાર થઈને વરઘોડો લઈને નીકળેલા યુવાનને ગામના દરબાર સમાજના લોકોએ ઘોડી ઉપરથી ઉતારી અપમાનિત કર્યો હતો. સાથે સાથે આખો વરઘોડો અટકાવી દેતાં એક તબક્કે માહોલ ગરમાયો હતો અને ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ થાળે પાડી હતી. પોલીસે પૂરતા અને લોખંડી પોલીસ જાપ્તા વચ્ચે યુવકના લગ્ન સંપન્ન કરાવ્યા હતા. જો કે, આ ઘટનાને લઇ સમગ્ર રાજયમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દલિત યુવા નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તો આ ઘટનાને લઇ ફરી સરકારને આડા હાથે લીધી હતી અને ટવીટ્‌ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું કે, ગઈકાલે ગુજરાતના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને આજે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે દલિત સમાજના વરરાજાને ઘોડી પરથી ઉતારી અપમાનિત કરવામાં આવી રહ્યા છે. નક્કી આ સરકારનું કોઈ ષડયંત્ર લાગી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં દલિત યુવાન અને તેના પરિવાર સાથે થયેલા આ અપમાનિત વર્તન સામે વડગામના ધારસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ટિ્‌વટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. બીજીબાજુ, પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ગામમાં વધારાનો બંદોબસ્ત પણ તૈનાત કરી દીધો હતો અને સતત પેટ્રોલીંગ અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી.