મોદીની હત્યા કરવાનો ગડકરી પ્લાન કરે છે ટ્‌વીટ કરનાર શેહલા રાશિદ સામે ગડકરી કેસ કરશે

મોદીની હત્યા કરવાનો ગડકરી પ્લાન કરે છે
ટ્‌વીટ કરનાર શેહલા રાશિદ સામે ગડકરી કેસ કરશે
રાશિદે એક ટ્‌વીટમાં જણાવ્યું છે કે, એવું લાગે છે કે આરએસએસ અને ગડકરી મોદીની હત્યા કરવા વિચારે છે અને પછી દોષનો ટોપલો મુસ્લિમો /સામ્યવાદીઓ પર નાખી દેશે

 નવીદિલ્હી
નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ)ના વિદ્યાર્થી ચળવળકાર શેહલા રાશિદે એવો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની યોજના ઘડી રહ્યા છે. રાશિદનાં આ આરોપથી ગડકરી ભડકી ગયા છે અને એમની સામે કાનૂની પગલું ભરવાની ધમકી આપી છે.રાશિદે એક ટ્‌વીટમાં જણાવ્યું છે કે, એવું લાગે છે કે આરએસએસ અને ગડકરી મોદીની હત્યા કરવા વિચારે છે અને પછી દોષનો ટોપલો મુસ્લિમો/સામ્યવાદીઓ પર નાખી દેશે અને ત્યારપછી રાજીવ ગાંધી સ્ટાઈલમાં મુસ્લિમોની કત્લેઆમ કરાવશે.આ વિચિત્ર કમેન્ટ્‌સની નોંધ લઈને ગડકરીએ એમના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીની હત્યાની ધમકીના સંદર્ભમાં પોતાના અંગત ઈરાદાઓમાં મને ઢસડનાર અને આવી વિચિત્ર કમેન્ટ્‌સ કરનાર સમાજવિરોધી તત્વો સામે કાનૂની પગલું લઈશ.
જોકે શેહલા રાશિદે ત્યારબાદ તરત જ એવો દાવો કર્યો હતો કે એમણે હત્યાના ષડયંત્ર વિશેના ટ્‌વીટમાં કટાક્ષ હતો. કટાક્ષભર્યા ટ્‌વીટથી વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા અસ્વસ્થ થઈ ગયા છે. તો કલ્પના કરો કે પ્રચારમાધ્યમો પાયાવિહોણા આક્ષેપો કરે તો નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ (જેએનયૂ) અને એમના પિતા પર કેવી વીતી હશે.ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પુણે પોલીસે મોદીની હત્યાના એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને માઓવાદી નેતાઓ વચ્ચે કથિતપણે આપ-લે થયેલો એક પત્ર મળી આવ્યો હતો જેમાં માઓવાદી નેતાઓ મોદીને રાજીવ ગાંધી સ્ટાઈલમાં એક ચૂંટણી રોડશો વખતે મારી નાખવાની યોજના વિશે ચર્ચા કરી હતી. એ પત્ર પ્રકાશ નામના એક માઓવાદી નેતાને નામે લખાયો હતો અને લખનારે સહી તરીકે ઇ લખ્યું છે. એ પત્ર ૨૦૧૭ની ૧૮ એપ્રિલે લખાયો હતો.