રાહુલ ગાંધીના ઓબીસી સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો ભાજપ- સંઘ દેશને વિભાજિત કરે છે, રાહુલનો ગંભીર આક્ષેપ

ર૦૧૯, લોકસભાની ચૂંટણીની તૈયારી, રાહુલ ગાંધીના ઓબીસી સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો
ભાજપ- સંઘ દેશને વિભાજિત કરે છે, રાહુલનો ગંભીર આક્ષેપ
ભાજપ સરકાર ચોક્કસ અમીરો માટે કામો કરે છે : કુશળ લોકોને પણ માન સન્માન મળી રહ્યું નથી : ખેડૂતો આપઘાત કરે છે છતાં પણ દેવું માફ થતું નથી

નવીદિલ્હી, તા. ૧૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપની સરકાર નહીં પરંતુ કોંગ્રેસ જ સામાન્ય લોકોને તેમના અધિકારો આપી શકશે. રાહુલે કહ્યું હતું કે, મોદી બીજાના કામ માટે ક્રેડિટ લઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ મોદી સરકાર ઉપર કેટલાક ચોક્કસ અમીર લોકો માટે કામ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઓબીસી સંમેલનને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, જે લોકોની પાસે કુશળતા છે, જે લોકો કામ કરે છે તેમને સન્માન મળતુ નથી પરંતુ ફાયદો કોઇ અન્ય લોકો લઇ જઈ રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકાર માત્ર ૧૫ સૌથી અમીર લોકો માટે કામ કરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે પરંતુ તેમનું દેવું માફ થશે નહીં. રાહુલે કહ્યું હતું કે, ભારતની અંદર જે લોકો કામ કરે છે તે છુપાયેલા રહે છે. જે નાના કામ કરે છે તે લોકો છુપાયેલા રહે છે. લાભ કોઇ અન્ય લોકો લઇ જાય છે. તેમણે કહ્યું હતું કે, કુશળતા બીજા લોકોની છે અને લાભ અન્ય લોકો લઇ રહ્યા છે. ખેડૂત દિવસભર કામ કરે છે પરંતુ મોદીની ઓફિસમાં ખેડૂત ક્યારે દેખાશે નહીં. દેવું માફ થશે તો ૧૫ લોકોનું થશે. ખેડૂતો આપઘાત કરશે તો પણ તેમના દેવા માફી થશે નહીં. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, દેશમાં કુશળ રહેલા લોકોની કોઇ અછત નથી પરંતુ તેમને બેંકોથી મદદ મળી રહી નથી. રાહુલે કહ્યું હતું કે, મોટી કંપનીઓના લાભ પણ અન્ય લોકો લઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ભાજપના બે ત્રણ નેતા અને સંઘ પાછળના બારણેથી સરકાર ચલાવે છે. આ લોકોએ દેશને ગુલામ બનાવી દીધું છે પરંતુ ટુંકમાં જ સ્થિતિ બદલાશે. રાહુલે કહ્યું હતું કે, અમે લોકસભામાં બેઠા છીએ. વિધાનસભામાં બેઠા છીએ પરંતુ અમારી કોઇ સાંભળતું નથી. માત્ર સંઘની વાત જ સાંભળવામાં આવે છે. કોંગ્રેસ અને ભાજપના કામકાજના તરીકાના અંતરને સમજાવતા રાહુલે કહ્યું હતું કે, અમે તમામ લોકો એક બસમાં બેસીએ છીએ અને ચાવી સામાન્ય લોકોને આપી દઇએ છીએ. પરંતુ ભાજપ તમામ લોકોને બસમાં બેસાડીને સંઘને ચાવી આપી દે છે. સંઘ એવી તાકાત છે જે કુશળતા અને સન્માનને વિભાજિત રાખે છે. સંઘ ઓબીસીને વિભાજિત કરે છે. ૫૦-૬૦ ટકા વસ્તીનું સન્માન કરવું પડશે. બેંકોને પોતાના બારણા ખોલવા પડશે. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દરેક વ્યક્તિ સ્પષ્ટરીતે પોતાની રજૂઆતો કરતા હતા પરંતુ આજે કોઇ વ્યક્તિ પણ કહેવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ચાર વર્ષના ગાળામાં નાના દુકાનદારો અને ઓછી આવકવાળા લોકો પરેશાન થયા છે. કોંગ્રેસના સમયમાં તમામ બાબતો સામાન્ય દેખાતી હતી. રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાય સુધી પહોંચવાના પ્રયાસરુપે ભાજપ અને સંઘ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સંઘ અને ભાજપના લોકો દેશને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે. સંઘ એક ફોર્સ તરીકે છે જે લોકોને વિભાજિત કરવાનું કામ કરે છે. રાષ્ટ્રીય પાટનગરમાં ઓબીસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.