લોકસભાની ચૂંટણીનો માહોલ બનવાની શરૂઆત થતાંની સાથે કેજરીવાલે BJP સામે લડવાની પોતાની રણનીતિ બદલી

 લોકસભાની ચૂંટણીનો માહોલ બનવાની શરૂઆત થતાંની સાથે  કેજરીવાલે BJP સામે લડવાની પોતાની રણનીતિ બદલી

આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજનીતિક નિરીક્ષકોનું કહેવું છે કે 2019ની લોકસભાની ચૂંટણીનો માહોલ બનવાની શરૂઆત થતાંની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકીય રમત રમવાની શરૂ કરી દીધી છે. આ વખતે તેમણે પીએમ મોદી પર હુમલો કરવાની પોતાની રણનીતિ બદલી નાખી છે.

પંજાબમાં વર્ષ 2017માં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ અને ઉત્તર પ્રદેશમાં બીજેપી સામે બીજા પક્ષોના સૂપડા સાફ થઈ જવાને કારણે અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તીવ્રતા ઓછી કરવાનો નિર્ણય કર્યો છે.

કેજરીવાલ લગભગ એક વર્ષ સુધી આ નીતિ પર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક ચૂંટણીઓમાં બીજેપીની હાર થઈ હતી. બીજી તરફ કેન્દ્રની બીજેપી સરકાર સામે હવે ધીમે ધીમે વધી રહેલી સત્તા વિરોધી લહેરને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી પોતાની રણનીતિ બદલવાનો નિર્ણય લેતા મોદી પર તીવ્ર હુમલા કરવાનો નિર્ણય લીધો છે.

આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, “ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ બાદ 2017માં કેજરીવાલે પોતાની રણનીતિ બદલી હતી. કારણ કે લોકપ્રીય નેતાઓ પર હુમલો કરવાથી તેને ખરાબ અસર પડી રહી હતી. પરંતુ હવે મોદીની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે ત્યારે કેજરીવાલે પોતાની રણનીતિ બદલી લીધી છે.”

નેતાએ વધુમાં કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલમાં થઈ રહેલો વધારો, પેટાચૂંટણીઓમાં બીજેપીની હાર અને વિપક્ષ એકસાથે આવી રહ્યો હોવાથી હવે કેજરીવાલે પોતાની રણનીતિ બદલી છે. ગત પેટાચૂંટણીમાં ચારમાંથી ફક્ત એક સીટ બીજેપીએ જીતી હતી, તેમજ 10 વિધાસભામાંથી બીજેપીના ફાળે ફક્ત એક જ બેઠક આવી હતી.

જેના બાદમાં કેજરીવાલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની પ્રસંશામાં એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, મનમોહન જેવા ભણેલા-ગણેલા વડાપ્રધાનનો ખાલીપો અનુભવી રહ્યા છે. પેટા ચૂંટણીના પરિણામો એ મોદી સામે લોકોનો ગુસ્સો બતાવી રહ્યા છે.