શી જિનપિંગે મોદીનું આમંત્રણ સ્વીકાર્યું, ૨૦૧૯માં આવશે ભારત

શી જિનપિંગે મોદીનું આમંત્રણ સ્વીકાર્યું, ૨૦૧૯માં આવશે ભારત
પીએમ મોદીની હાજરીમાં બ્રહ્મપુત્ર નદી પર ચીન સાથે મહત્વનો કરાર

એજન્સી દ્વારા નવીદિલ્હી
વુહાન સમિટની જેમ આગામી વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અનૌપચારિક સમિટ માટે ભારત આવશે. ચીનના રાષ્ટ્રપતિએ આ અંગે ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીના આમંત્રણને સ્વીકાર્યું છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શનિવારે ચીનના રાષ્ટ્‌પતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતનો એક મહત્વનું પરિણામ એ આવ્યું કે ચીન દ્વારા માહિતી આપવામાં આવી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૦૧૯માં ભારતની યાત્રાએ આવશે.
શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વાર્ષિક બેઠકમાં હાજરી આપવા માટે પીએમ મોદી શનિવારે ચીનના કિંગડાઓ શહેર પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વિદેશ સચિવે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જનિપિંગે વુહાન સમિટને સકારાત્મક ગણાવી હતી. દ્વિપક્ષીય સંબંધોમાં આ સમિટને એક ‘નવી શરૂઆત’ ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ આને આપણા સંબંધો માટે પાયાનો પત્થર ગણાવી હતી.
વિજય ગોખલેએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે નવું ‘પીપલ ટુ પીપલ’ તંત્ર વિકસાવવામાં આવશે. ભારત તરફથી વિદેશ મંત્રી તેનું નેતૃત્વ કરશે જ્યારે ચીન તરફથી સ્ટેટ કાઉન્સિલ એન્ડ ફોરેન મિનિસ્ટર વાંગ યી નેતૃત્વ કરશે. આ માટેની પ્રથમ બેઠક ચાલુ વર્ષે મળશે.
ઓર્ગેનાઈઝેશનની વાર્ષિક બેઠક ઉપરાંત શનિવારે ભારત અને ચીન વચ્ચે બે સમજૂતિ પર હસ્તાક્ષર થયા હતા. એસસીઓ સમિટમાં આતંકવાદ અને કટ્ટરપંથ વિરુદ્ધની લડાઈમાં સહયોગ વધારવા માટે ઠોસ પગલાં શોધવામાં આવશે તેમજ વર્તમાન વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે. પીએમ મોદી શનિવારે એસસીઓના અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતમાં સામેલ થયા હતા. પીએણએ કિંગડાઓમાં ઉઝ્‌બેકિસ્તાન અને તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ભારત અને પાકિસ્તાન આ વર્ષે સૌપ્રથમ વખત પૂર્ણ સભ્ય તરીકે એસસીઓ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ વુહાનમાં શી જિનપિંગ સાથે મુલાકાત કર્યાના થોડા મહિનમાં જ એસસીઓમાં મુલાકાત કરી હતી.