સૌથી વધુ કમાણી કરનારા ટોપ-૧૦૦ ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર

સૌથી વધુ કમાણી કરનારા ટોપ-૧૦૦ ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર
કોહલી ફોર્બ્સ મેગેઝિનના વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ટોપ-૧૦૦ એથ્લેટ્‌સમાં સામેલ એકમાત્ર ભારતીય જ નહીં પરંતુ એકમાત્ર ક્રિકેટર

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી મેદાનની અંદર જેવી રીતે સિદ્ધિઓ નોંધાવે છે તેવી જ રીતે તે મેદાનની બહાર પણ સિદ્ધિઓ નોંધાવતો રહે છે. કોહલી ફોર્બ્સ મેગેઝિનના વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ટોપ-૧૦૦ એથ્લેટ્‌સમાં સામેલ એકમાત્ર ભારતીય જ નહીં પરંતુ એકમાત્ર ક્રિકેટર છે. આ યાદીમાં કોહલી ૮૩માં સ્થાને છે. જ્યારે અમેરિકાનો બોક્સિંગ દિગ્ગજ ફ્લોઈડ મેવેધર ૧૯૧૩.૩ કરોડ રૂપિયાની કમાણી સાથે ટોચ પર છે.કોહલીની વાર્ષિક કમાણી ૧૬૧ કરોડ રૂપિયા છે. જેમાંથી ૨૭ કરોડ રૂપિયા વેતનના છે જ્યાર ૧૪૩ કરોડ રૂપિયા જાહેરખબરોમાંથી મળેલા છે. રસપ્રદ વાત એ છે કે કોહલી આ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય ઉપરાંત એકમાત્ર ક્રિકેટર છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે ૨૯ વર્ષીય કોહલી ક્રિકેટ ક્રેઝી ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતો એથ્લેટ છે. તે ટિ્‌વટર પર ૨૫ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.
આ યાદીની બીજી રસપ્રદ વાત એ છે કે તેમાં એક પણ મહિલા ખેલાડી સામેલ નથી. ફોર્બ્સે જણાવ્યું હતું કે મહિલા ખેલાડીઓમાં લિ ના, મારિયા શારાપોવા અને સેરેના વિલિયમ્સ નિયમિત રીતે સામેલ રહેતા હતા. પરંતુ લિ નાએ ૨૦૧૪માં નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે રશિયન ટેનિસ સુંદરી શારાપોવા ડોપિંગમાં પ્રતિબંધનો સામનો કર્યા બાદ સંઘર્ષ કરી રહી છે.ગત વર્ષે અમેરિકાની ૨૩ ગ્રાન્ડ સ્લેમ વિજેતા ખેલાડી સેરેના વિલિયમ્સ ટોપ-૧૦૦માં સામેલ હતી પરંતુ પ્રથમ બાળકના જન્મ માટે તે એક વર્ષથી વધુ સમયથી કોર્ટથી દૂર રહી છે. જેના કારણે તેની આવકમાં ઘટાડો થઈ ગયો છે. સેલેનાએ સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો.
આ યાદીમાં સૌથી વધુ બાસ્કેટબોલના ખેલાડીઓ છે. બાસ્કેટબોલના ૪૦ ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. જ્યારે ૧૮ ખેલાડીઓ અમેરિકન ફૂટબોલના છે. આ ઉપરાંત બેઝબોલના પણ ૧૪ ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત ફૂટબોલના નવ, બોક્સિંગ અને ટેનિસના ચાર-ચાર તથા ઓટોરેસિંગના ત્રણ ખેલાડી છે. જ્યારે ક્રિકેટ, મિક્સ્ડ માર્શલ આટ્‌ર્સ અને ટ્રેક એન્ડ ફિલ્ડ (યુસૈન બોલ્ટ)નો એક-એક ખેલાડી છે.
સૌથી વધુ કમાણી કરતો એથ્લેટ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેધર છે. મેવેધર ૧૯૧૩.૩ કરોડ રૂપિયાની કમાણી સાથે ટોચ પર છે. જ્યારે આર્જેન્ટિના અને બાર્સેલોનાનો સુપર સ્ટાર ફૂટબોલર લિયનોલ મેસ્સી ૭૪૪.૨ કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે. મેસ્સીનો જ કટ્ટર હરીફ પોર્ટુગલ અને રિયલ મેડ્રિડનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૭૨૪.૨ કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે મિક્સ્ડ માર્શલ આર્ટના કોનોર મેકગ્રેગોર છે જેની કમાણી ૬૬૩.૯ કરોડ રૂપિયા છે. બ્રાઝિલનો ફૂટબોલર નેઈમાર ૬૦૩.૫ કરોડ સાથે પાંચમાં સ્થાને છે.