૬૧ વર્ષ જૂની યુજીસી બનશે ઈતિહાસ, હાયર એજ્યુકેશન કમિશન રચાશે

૬૧ વર્ષ જૂની યુજીસી બનશે ઈતિહાસ, હાયર એજ્યુકેશન કમિશન રચાશે

કમિશન પાસે શૈક્ષણિક સત્તા રહેશે, આર્થિક ફાળવણી નાણાં મંત્રાલય થકી કરાશે

નવીદિલ્હી
કેન્દ્ર સરકાર જેમ આયોજન પંચ ને નાબૂદ કરીને નીતિ આયોગની રચના કરી હતી. એ જ પેટર્ન પર હવે દેશની તમામ યુનિવર્સિટીનું નિયમન કરનારી સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ને ખત્મ કરી અને એને બદલે હાયર એજ્યુકેશન કમિશન જેવી સંસ્થા રચવા કવાયત તેજ કરી છે. આ સાથે, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ને પણ હાયર એજ્યુકેશન કમિશન અંતર્ગત લવાશે.માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ડ્રાફ્ટ અનુસાર ભારતનું નવું હાયર એજ્યુકેશન કમિશન(ઉચ્ચ શિક્ષણ આયોગ) સંપૂર્ણ રીતે શૈક્ષણિક મામલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે યુનિવર્સિટીઓને અપાતી આર્થિક સહાયની બાબત હવે નાણાં મંત્રાલય હસ્તક રહેશે. કેન્દ્ર સરકાર આ સંદર્ભેના બિલને ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરશે.યુજીસીના અસ્તિત્વને ખત્મ કરવા માટે કેન્દ્ર સરકારે જે ડ્રાફ્ટ બનાવ્યો છે, એ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા એક્ટ-૨૦૧૮ના નામથી ઓળખાશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના તમામ શિક્ષણશાસ્ત્રીઓ, હિતેચ્છુઓ અને લોકોને વિનંતી કરી છે કે, ઉપરોક્ત ડ્રાફ્ટ અંગે મંત્રાલયની વેબસાઈટ પર ટિપ્પણી અને સૂચન કરી શકો છો. સૂચન મોકલવાની છેલ્લી તારીખ ૭ જુલાઈ, ૨૦૧૮ નિર્ધારીત કરાઈ છે.
નવા ડ્રાફ્ટ અનુસાર કમિશન પ્રત્યેક વર્ષે યુનિવર્સિટીઓના પરફોર્મન્સની તપાસ કરી શકશે યુજીસીમાં કોર્સ માટે કમિટી હવે કમિશન અંતર્ગત આવી જશે. જે યુનિવર્સિટીની ગુણવત્તા કથળશે, એમાં એડમીશન બંધ કરી શકાશે હાયર એજ્યુકેશન કમિશનમાં ૧૦ મેમ્બર હશે. જેમાં શિક્ષણ જગતની નામી હસ્તી ચેરમેન હશે. બે વાઈસ ચેરમેન અને ત્રણ સભ્ય કે જે આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈએસસીમાં પાંચ વર્ષ સુધી નિર્દેશક રહ્યાં હોય અને ત્રણ એવા સભ્ય કે જે દેશની યુનિવર્સિટીમાં કુલપતિ રહ્યાં હોય.
આ ડ્રાફ્ટ અંતર્ગત પહેલીવાર ડાયરેક્ટરને પાસે શૈક્ષણિક ગુણવત્તા માપદંડો લાગુ કરવાની સત્તા મળશે. એમાં બોગસ યુનિવર્સિટી બંદ કરવાનો આદેશ પણ સીધો ડાયરેક્ટર આપી શકશે. આ ડ્રાફ્ટમાં એવી જોગવાઈ પણ છે કે નવા નિયમોનું પાલન નહીં કરનારને દંડ તેમજ જેલની સજા થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં યુજીસી પોતાની વેબસાઈટ પર બોગસ સંસ્થાની યાદી મૂકે છે, પણ કોઈ કાર્યવાહી કરવાની સત્તા નથી.