ત્રાસવાદીઓની કમર તોડી પાડવાના પ્રયાસો શરૂ થયા કાશ્મીર ખીણમાં ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો કુખ્યાત ત્રાસવાદીઓ અંગે સૌથી પહેલા માહિતી એકત્રિત કરીને મોતને ઘાટ ઉતારી દેવા તૈયારી : સ્થિતિ હજુ વિકટ

શ્રીનગર,તા. ૨૪
જમ્મુ કાશ્મીરમાં પહેલાની સરખામણીમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. રાજ્યમા રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ સેનાના એક અધિકારીએ આ અંગેનું નિવેદન કર્યું છે. ૧૫ કોર્પના કમાન્ડર લેફ્ટી જનરલ એકે ભટ્ટે કહ્યું છે કે, ઉત્તર કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરની સરખામણીમાં ખુબ ઓછા ત્રાસવાદી છે. સ્થિતિ હાલમાં સુધારાવાળી છે. ખીણમાં હજુ પણ ૨૫૦થી ૨૭૫ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ કરી દીધું છે. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ સુરક્ષા દળોે પહેલાથી જ ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરના ચાર ત્રાસવાદીઓને અથડામણમાં ઠાર મારી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં ૨૮મી જૂનથી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી રહી છે. કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગેના અહેવાલ મળી રહ્યા છે. સેનાના એક અધિકારીનું કહેવું છે કે, ત્રાસવાદીઓ હુમલા કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી ચુકી છે. સુરક્ષા દળોને એલર્ટ પણ કરવામાં આવી ચુક્યા છે. લેફ્ટી જનરલ એકે ભટ્ટના કહેવા મુજબ પાકિસ્તાનના લોન્ચિંગ પેડથી આશરે ૨૦૦ ત્રાસવાદી ઘુસણખોરીના પ્રયાસમાં છે. સુરક્ષા દળોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન સોશિયલ મિડિયા મારફતે જમ્મુ કાશ્મીરમાં ઉશ્કેરણીજનક પ્રચાર કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓની હિટલિસ્ટ સેના દ્વારા તૈયાર કરવામાં આવી ચુકી છે જેમાં ટોપ ૨૧ની યાદી જારી કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે, આ ૨૧ ત્રાસવાદીઓ ઠાર કરાશે તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તુટી જશે. આ ૨૧ આતંકવાદીઓ પૈકી ૧૧ ત્રાસવાદી હિઝબુલ મુઝાહિદ્દીનના છે. સાત લશ્કરે તોઇબાના, બે જૈશે મોહમ્મદના અને એક અન્સાર ગાજવતના છે. સુરક્ષા દળોનો મુખ્ય હેતુ આ ૨૧ આતંકવાદીઓને ખતમ કરવાનો રહેલો છે. ઇન્ટેલીજન્સ સંસ્થાઓને આ ૨૧ ત્રાસવાદીઓ પૈકી સૌથી વધુ માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
૨૧ પૈકીના છ ત્રાસવાદીઓને એ ડબલ પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમની કેટેગરી એવા આધાર પર બનાવવામાં આવી છે કે, કયા ત્રાસવાદીએ કેટલી હિંસાની ઘટનામાં ભાગ લીધો છે. કયા ત્રાસવાદીની ક્ષેત્રમાં કેટલી પકડ રહેલી છે. ગુરુવારથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જમ્મુમાં અમરનાથ યાત્રાના આધાર છાવણી ભગવતીનગરથી લઇને બાબા બરફાનીની ગુફા સુધી યાત્રીઓની સુવિધા માટે તમામ પગલા લેવાયા છે. ફુલપ્રુફ યોજના તૈયાર કરવામાં આવી છે. યાત્રા દરમિયાન લોકોની સુરક્ષા માટે કેન્દ્રીય સંસ્થાઓ, સેના અને રાજ્ય પોલીસના જવાનોને જવાબદારી સોંપાઈ છે.