48 વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PMએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: 2019 લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મ દિવસ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર દેશમાં તેમના નેતાના જન્મદિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. 19 જૂન 1970માં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. તેમણે 2004માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે તેમની રાજનીતિમાં ખૂબ ફેરફારો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે

રાહુલ ગાંધી હવે બન્યા છે આક્રમક
– રાહુલ ગાંધી હવે રાજકારણમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.તેઓ સીધા જ વડાપ્રધાન પર પ્રહાર કરતા હોય છે. સોશિયલ મીડિયા દ્વારા પણ તેઓ પીએમ પર પ્રહાર કરવાનું નથી ચૂકતા. 2014ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડે છે. તે વિશે સરકાર પણ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતી હોય છે.

– ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યા પછી ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે પ્રમાણે મહેનત કરી છે તેને જોતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવ્યો છે. ગુજરાતમાં ભલે પાર્ટીને જીત ન મળી હોય પરંતુ કોંગ્રેસ કર્ણાટકમાં બીજેપીને માત આપી.

રાહુલ ગાંધી સામે શું છે પડકાર?
– રાહુલ ગાંધી સામે હવે આગામી સમયમાં મોટા પડકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થનારી વિધાનસભાની ચૂંટણી છે. અહીં ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઘણાં લાંબા સમયથી સત્તામાં છે. આ સંજોગોમાં કોંગ્રેસે ફરી સત્તા પર આવવું મુશ્કેલ છે.
– થોડા દિવસથી દેશમાં બીજેપી વિરુદ્ધ દેશમાં માહોલ બન્યો છે. કોંગ્રેસ તેનો જ ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને આ રાજ્યોમાં જીત મળે તો તેમને બહુ મોટો ફાયદો થશે. કોંગ્રેસને જીત મળે તે માટે રાહુલ ગાંધી ખૂબ મહેનત કરીને વિપક્ષને એક જૂથ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.