પીએમ મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો, કુમારસ્વામીને આપી ચેલેન્જ

પીએમ મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો, કુમારસ્વામીને આપી ચેલેન્જ
પીએમ નિવાસ ખાતે લોન એરિયામાં મોદીએ યોગ અને કસરત કરતો વીડિયો શેર કર્યો

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જમાં ભાગ લીધો અને આટલું જ નહીં પરંતુ તેમણે રાજકીય વિરોધને પર કરીને તાજેતરમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચડી કુમારસ્વામીને ફિટનેસ માટે ચેલેન્જ પણ આપી.
પીએમ મોદીએ બુધવારે સવારે ટિ્‌વટર પર પોતાનો મોર્નિંગ એક્સરસાઈઝનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તેમણે કર્ણાટકના સીએમ કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જમાં તેણે વિરાટ કોહલી, સાયના નહેવાલ સહિતના સ્પોટ્‌ર્સ આઈકને ચેલેન્જ આપી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેણે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન એમ એસ ધોનીને ચેલેન્જ આપી હતી. હવે પીએમે કર્ણાટકના સીએમને ફિટનેસ ચેલેન્જ આપી છે ત્યારે તેઓ તેનો શું જવાબ આપે છે તે જોવું રહેશે.
પીએમ મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મોનિકા બત્રા અને દેશના એવા તમામ આઈપીએસ અધિકારીઓ જેમની ઉંમર ૪૦ પ્લસ હોય તેમને ફિટનેસ ચેલેન્જ આપી છે. અગાઉ કોહલીની ચેલેન્જ સ્વીકારતા પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું હતું કે તેઓ વહેલી તકે એક વીડિયો પોસ્ટ કરશે. બુધવારે પીએમએ પોતાના આ વચનને પુરું કરતા મોર્નિંગ એક્સરસાઈઝ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
મોદીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે તેઓ એક રોજ એવા ટ્રેક પર ચાલે છે જે કુદરતના પંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છે. પીએમએ લખ્યું હતું કે તેઓ પ્રાણાયમ પણ કરે છે.આ વીડિયોમાં પીએમ મોદી બુદ્ધની મૂર્તિ સામે અનુલોમ-વિલોમ કરતા પણ જોવા મળે છે. આ ઉપરાંત પીએમ નિવાસના લોન એરિયામાં તેઓ વિવિધ કસરતો કરતા જણાય છે. પીએણ એક એવા ગોળ ટ્રેક પર ચાલતા જોવા મળે છે જેમાં માટી, લાકડુ, પથ્થર, ઝીણી રેતી અને પાણી છે. પીએમ આને પ્રકૃતિથી પ્રેરિત પંચતત્વથી બનેલો ટ્રેક કહે છે.રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી આ ફિટનેસ ચેલેન્જને અનેક સેલિબ્રિટીઝ અને નેતાઓએ સ્વીકારી છે અને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. અગાઉ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો.