અમરેલીમાં મેઘતાંડવઃ ખાંભામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગામમાં પાણી ઘૂસ્યા

અમરેલીમાં મેઘતાંડવઃ ખાંભામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગામમાં પાણી ઘૂસ્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાંભાના રબારીકા ગામે ત્રણ કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી ઘૂસવા લાગ્યા હતા.

જાફરાબાદના પાટી, માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાથી શેરી-બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. બીજી તરફ જીકાદ્રી, મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીંબીમાં અનરાધાર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટીંબીની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

ખાંભાના રબારીકા ગામે સાંબેલાધાર પાંચ ઇંચ વરસાદ પડતા ગામની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂર જોવા ગામલોકો ઉમટ્યા હતા. તેમજ ભારે વરસાદથી વરસાદી પાણી ગામમાં ઘૂસવા લાગ્યા હતા.