the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અમેરિકા-ઇરાનની લડાઈમાં ભારતનો ખો ન નીકળવો જોઈએ

અમેરિકા-ઇરાનની લડાઈમાં ભારતનો ખો ન નીકળવો જોઈએ

અમેરિકાએ બુધવારના રોજ ફરી એકવખત ભારતની સાથે વધતા તણાવની વચ્ચે બંને દેશોની વચ્ચે યોજાનાર પહેલી ઉચ્ચ સ્તરીય ૨+૨ સંવાદને ટાળી દીધો છે. આ સંવાદ ૬ જુલાઇના રોજ વૉશિંગ્ટનમાં શરૂ થવાનો હતો. ટ્રમ્પ મેનેજમેન્ટના આ પગલાં પરથી સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે નવી દિલ્હી હવે તેના માટે અગત્યનું નથી.અમેરિકન અધિકારીઓએ કહ્યું કે તેમણે પોતાના ભારતીય સમકક્ષોને તેની માહિતી આપી દીધી છે કે અમેરિકન રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીની તેમના ભારતીય સમકક્ષોની સાથે ૬ જુલાઇથી વૉશિંગ્ટનમાં પ્રસ્તાવિત વાર્તા કેટલાંક કારણોસર ટાળી દીધી છે.ત્યારબાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્‌વીટ કરીને માહિતી આપી કે અમેરિકન વિદેશ મંત્રી માઇક પૉમ્પિઓ એ સુષ્મા સ્વરાજ સાથે વાત કરી છે અને વાર્તા ટાળવા માટે ખેદ વ્યક્ત કર્યો છે. રવીશ કુમારે કહ્યું કે બંને નેતાઓ ટૂંક સમયમાં જ આ વાર્તા માટે ફરીથી તારીખ નક્કી કરવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.આની પહેલાં આ સંવાદ આ વર્ષના માર્ચમાં થવાનો હતો તે પણ ટાળીને જુલાઇ કરાયો હતો. જો કે ત્યારે આ સંવાદ એટલા માટે શકય નહોતો કારણ કે તે સમયે ટ્રમ્પે પોતાના તત્કાલીન વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પદ પરથી હટાવી દીધા હતા. સૂત્રોનું માનીએ તો હાલના વિદેશ મંત્રી જિમ મૈટિસ પણ ટ્રમ્પને આંખના કણાની જેમ કૂચે છે.આ સંવાદ એવા સમયમાં ટળ્યો છે જ્યારે વૉશિંગ્ટન અને નવી દિલ્હીની વચ્ચે ખટાશ વધતી જઇ રહી છે. ભારતને અમેરિકાની તરફથી બે બાજુના પ્રતિબંધનો ડર છે. પહેલાં જો તે રૂસની સાથે જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો કરાર કરે છે અને બીજું જો ભારત ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું બંધ નહીં કરે તો.બંને દેશોની વચ્ચે વેપાર અને ટેરિફ મુદ્દાને લઇ પણ ખૂબ તણાવ ઉભો થયો છે. ખાસ કરીને ટ્રમ્પે જયારથી ભારતમાં હાર્લી ડેવિડસન બાઇક પર ઊંચી આયાત ડ્યૂટી લગાવાનો મુદ્દો ઉઠાવ્યો છે.૬ જુલાઇના રોજ પ્રસ્તાવિત સંવાદને ટાળવાનું કારણ હાલ ખબર પડી નથી પરંતુ મોટાભાગે એ જ મનાઇ રહ્યું છે કે ભારત હવે એવા મેનેજમેન્ટની પ્રમુખતા નથી જેની વિદેશ નીતિ સ્પષ્ટ નથી અને બસ ‘અમેરિકા ફર્સ્ટ’નું રટણ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના લગભગ દરેક સહયોગી દેશનું અપમાન કર્યું છે, પછી તે પાડોશી દેશ કેનેડા અને મેક્સિકો કે પછી ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન જ કેમ ના હોય.એક અંદાજ એ પણ છે કે ભારતની સાથે સંવાદ ટાળવાની પાછળ ટ્રમ્પ મેનેજમેન્ટનો હેતુ ટ્રમ્પ અને પુતિનની વચ્ચે સમિટનું આયોજન કરવાનું પણ છે. સંભાવના છે કે આ સંવાદ ૧૫ જુલાઇથી પહેલાં વિએના કે હેલસિંકીમાં થઇ શકે છે. ટ્રમ્પના રાષ્ટ્રીય સલાહકાર જૉન બોલ્ટન સંવાદની તૈયારી માટે મૉસ્કોમાં છે અને રાષ્ટ્રપતિના ફેવરેટ હાલ આ સંવાદ માટે કોઇપણ વસ્તુને ટાળવા માટે તૈયાર છે, જે સ્પષ્ટ રીતે ટ્રમ્પની પ્રમુખતા છે.બુધવારે મોડી સાંજે નિવેદન રજૂ કરી અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતાની તરફથી કહેવાયું અમેરિકા અને ભારતના સંબંધ પ્રશાસન માટે મોટી પ્રમુખતા છે અને અમારી ભાગીદારીને મજબૂત બનાવા માટે આપણે ભવિષ્યમાં પણ કામ કરીશું. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં સુરક્ષાની ભૂમિકા રાષ્ટ્રપતિની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં વધુ વધી છે. તેનાથી પરથી ખબર પડે છે કે આપણે વૈશ્વિક શક્તિ અને મજબૂત રણનીતિ અને રક્ષા સહયોગી તરીકે ભારત ઉભરવાનું સ્વાગત કરે છે.અમેરિકાએ ભારતને ૪ નવેમ્બરથી ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરી દેવા ધમકી આપી છે. ઈરાન સાથેની પરમાણુ સંધિ રદ કરી દીધાં પછી અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદી દીધાં છે. તેના અનુસંધાનમાં અમેરિકાએ ભારત, ચીન સહિતના વિશ્વના તમામ દેશોને ઈરાનમાંથી ક્રૂડની આયાત નવેમ્બર મહિનાથી બંધ કરી દેવાની ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રતિબંધોમાંથી ભારત અથવા તેની કંપનીઓને મુક્તિ અપાશે નહીં. જો ઈરાનમાંથી ક્રૂડની આયાત કરાશે તો અન્ય દેશોની જેમ ભારત અને ચીનની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદી દેવાશે. આ દેશોએ હવે ઈરાનમાંથી ક્રૂડની આયાત ઘટાડવાનું શરૂ કરી દેવું જોઇએ. ૪ નવેમ્બરના રોજ તેમની આયાત શૂન્ય પર પહોંચી જવી જોઇએ. અમે બધા દેશોને દ્વિપક્ષીય મુલાકાતોમાં આ સૂચના આપી રહ્યાં છીએ. અમેરિકા ઈરાનને મળતા ભંડોળને અટકાવવાના પ્રયાસ કરી રહ્યો છે. અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધો અંતર્ગત કોઇને કોઇ છૂટછાટ અપાશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સંધિ મે ૨૦૧૮માં તોડી નાખી હતી. અમેરિકાના ઈરાન પરના કેટલાંક આર્થિક પ્રતિબંધ ૬ ઓગસ્ટથી લાગુ થઇ રહ્યાં છે જ્યારે ઓઇલ સેક્ટરને અસર કરતાં પ્રતિબંધ ૪થી નવેમ્બરથી લાગુ થશે.અમેરિકાની ચેતવણીના પગલે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગુ થયા પછી ભારતે અન્ય અખાતી દેશો અને અમેરિકા પર ક્રૂડ માટે નિર્ભર રહેવું પડશે. તાજેતરમાં ભારતે અમેરિકાથી ક્રૂડની આયાતનો પ્રારંભ કર્યો છે. જો ભારત અમેરિકી પ્રતિબંધની અવગણના કરશે તો તેના પર પણ અમેરિકી પ્રતિબંધો લદાઇ શકે છે જેની ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર પર વિપરીત અસરો પડી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વૉર શરૂ થયું છે. અમેરિકી પ્રતિબંધોની અવગણના ભારતીય કંપનીઓ પર અવળી અસર કરી શકે છે. અમેરિકા દ્વારા પ્રતિબંધોની સાથે સાથે વધુ આર્થિક પગલાં ભારતને નુકસાન કરી શકે છે.ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત ઇરાક અને સાઉદી અરબમાંથી કરે છે. ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ છે. એપ્રિલ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ વચ્ચેના ૧૦ મહિનામાં ભારતે ઈરાનમાંથી ૧૮.૪ મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો મુદ્દે આપેલી ચેતવણીઓના પગલે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડમાં બેરલ દીઠ ૧.૧૫ ડોલરનો વધારો થતાં ૭૭.૨૯ ડોલર પર પહોંચ્યું હતું. યુએસ માર્સ ક્રૂડના ભાવમાં બેરલ દીઠ ૨.૪૫ ડોલરનો ઉછાળો થયો હતો. ઓપેકના ક્રૂડના ભાવ ૭૨.૬૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યાં હતાં.અમેરિકાનું ફરીથી ફટક્યું છે અને ઇરાન સામે ફરીથી પ્રતિબંધો મૂક્યાં છે. જગતનો જમાદાર થઈને ફરતો અમેરિકા મન ફાવે ત્યારે પ્રતિબંધો લગાવે અને દેશોએ તેમની સામે ઝૂકી જવું પડે. આર્થિક પ્રતિબંધોથી કામ ના થાય ત્યારે ઈરાકમાં લશ્કર મોકલીને સદ્દામને પાડી દીધો હતો તેવું પણ કરે. સદ્દામને પાડી દેવા જેવો જ હતો, પણ એ યાદ રાખવું પડે કે પોતાની ગરજ હોય ત્યારે અમેરિકા જ આવા ડિક્ટેટરોને મોટા કરે છે. તેને શસ્ત્રોની મદદ કરે છે અને તેનું શાસન ટકાવી રાખવામાં મદદ કરે છે. ઇરાનમાં શાહ પરિવારનું શાસન હતું ત્યારે અમેરિકાનો તેને ભરપૂર ટેકો હતો. શાહને ઉથલાવીને ધાર્મિક કટ્ટરપંથીઓ ઇરાનમાં શાસનમાં આવ્યા તે પછી અમેરિકાનો ગજ ત્યાં વાગતો નહોતો. ઇરાન અણુબોમ્બ બનાવે તે માટે પાકિસ્તાન ભરપુર મદદ કરતું હતું. ઇઝરાયલને આ ગમતું નહોતું. ભારતને પણ ગમતું નહોતું, કેમ કે ઇસ્લામી અણુબોમ્બ ગમે ત્યાં બને ભારત માટે તે કાયમ ખતરો ગણાય.ઇઝરાયલની ગણતરી હતી કે ઇરાનના અણુમથક પર બોમ્બમારો કરીને તેને ઊડાવી મૂકવું. તે માટે ઇસ્લામી દેશોને વીંધીને હુમલો કરવો પડે. હુમલો કરવા જતી વખતે ચિંતા નહિ, પણ વિમાન પરત ફરે ત્યારે જોખમ ઊભું થાય. ભારતની મદદ માગવામાં આવેલી. ઇઝરાયલથી ઉપડેલું વિમાન ઇરાનના અણુમથકોને ઊડાવીને ભારત પહોંચે. ભારતમાંથી ફ્યુઅલ ભરીને પાછું ફરે.એ થઈ શક્યું નહિ, કેમ કે ઇરાન સાથે ભારતને સારા સંબંધો રહ્યા છે. આજે પણ ઇરાન સાથે સારા સંબંધો રહ્યા છે અને ક્રૂડ ઓઇલ તથા ગેસની મોટા પાયે આયાત ઇરાનથી થાય છે. ઇરાનના પશ્ચિમમાં પાકિસ્તાનની નજીક ભારત ચાબહર બંદર વિકસાવી રહ્યું છે. ચાબહરથી કચ્છનો દરિયોકિનાર નજીક થાય એટલે ક્રૂડની હેરફેર ઝડપી બનશે. લશ્કરી રીતે પણ આ બંદર પાકિસ્તાનને ઘેરવામાં ભારતને કામ આવી શકે છે. આ સંજોગોમાં અમેરિકા ઇરાન સામે પ્રતિબંધ મૂકે ત્યારે ભારત તેને સાથ ના આપે. આપવો પણ ના જોઈએ, કેમ કે આપણા હિતો વધારે રહેલા છે.

અમેરિકાએ ટ્રેડ વોર શરૂ કરી છે, તેમાં ચીનની સાથે ભારતને પણ નુકસાન થઈ રહ્યું છે. તેવા સંજોગોમાં અમેરિકાની ઇચ્છા પ્રમાણે ભારત વર્તે તેવી આશા રાખવી વધારે પડતી છે. જોકે અમેરિકા આ મામલાને આંતરરાષ્ટ્રીય મામલો બનાવે છે અને પોતાના સાથી દેશોને સાથે રાખીને જગતના બાકીના દેશો પર દાદાગીરી કરે છે. તેના કારણે ભારતે દુનિયા સાથે રહેવા પ્રતિબંધોનો અમલ કરવો જરૂરી બને છે. અગાઉ ઇરાન સામે પ્રતિબંધો લાગ્યા ત્યારે ભારતે સામેલ થવું પડેલું, પરંતુ ભારતે વિશેષ સ્થિતિને આગળ કરીને ઇરાનમાંથી ક્રૂડની આયાત કરવાની છૂટ મેળવી હતી ખરી.

ભારતે આ વખતે પણ મચક આપ્યા વિના અમેરિકાના દબાણોનો સામનો કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના અમેરિકાના પ્રતિનિધિ નિક્કી હેલી ભારતની મુલાકાતે આવી ગયા. તેમની ગણતરી ભારતને અમેરિકા સાથે રહેવા મનાવવાની હતી. ભારત રશિયા પાસેથી વધુ શસ્ત્રો ખરીદે છે તે અમેરિકાને ગમતું નથી. અમેરિકા પોતે ભારતને શસ્ત્રો વેચવા માગે છે. ભારત પોતે મિસાઇલ વિકસાવે છે, પણ અત્યાધુનિક મિસાઇલ ખરીદવી પડે છે. ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઇલનો સોદો થવાનો છે. અમેરિકાએ તેની સામે પોતાની પ્રેટિઅટ મિસાઇલ સિસ્ટમ વેચવાની ઓફર કરી હતી. જુદાજુદા કારણોસર ભારતે તે સ્વીકારી નથી.નિકી હેલીએ આ મુદ્દાનો ઉલ્લેખ પણ ભારત મુલાકાત વખતે કર્યો હતો. ભારત રશિયામાંથી શસ્ત્રો ના ખરીદી અને ઇરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરે તેમ ઇચ્છે છે. રશિયાના મુદ્દે ખાનગીમાં ચર્ચા થઈ હશે, પણ ઇરાનના મુદ્દે હેલીએ જાહેરમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત ઇરાન સાથેના સંબંધો અંગ પુનઃવિચાર કરે એમ અમે ઇચ્છીએ છીએ.

નવેમ્બરથી ક્રૂડની આયાત બંધ કરવાની વાત છે. ભારત શું પ્રતિસાદ આપે છે તે જોવાનું રહ્યું. દરમિયાન ટ્રેડ વોરમાં પણ બંને દેશો આમનેસામને આવી ગયા છે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી વેપાર પર અસર થશે, કેમ કે બંને દેશોએ એકબીજાના ઉત્પાદનો પર આયાત જકાત લગાવવાનું નક્કી કર્યું છે.ભારત અને અમેરિકા વચ્ચે સતત સુધરી રહેલા સંબંધોમાં ઘણા વર્ષો પછી આ વળાંક આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી અમેરિકાની નીતિઓ અસ્પષ્ટ થવા લાગી છે. ટ્રમ્પ વાતવાતમાં ફરી જાય છે. ઘડિકમાં નોર્થ કોરિયા સામે આક્રમણ કરવાની વાત કરે અને ઘડિકમાં તેની સાથે વાટાઘાટો કરે. દરમિયાન નરેન્દ્ર મોદીએ ચીનના શી જિનપિંગ અને રશિયાના પુટીન સાથે એકથી વધુ વાર મુલાકાતો કરી છે. ટ્રમ્પ સાથે વધુ મુલાકાતો માટે ભારત તૈયાર હોય તેમ લાગતું નથી. ટ્રમ્પની આગતાસ્વાગતા કરવાનું હજી સુધી મોદીએ ટાળ્યું છે.
કદાચ તે જરૂરી પણ છે, કેમ કે ભારત સંબંધો સુધારવા આતુર હોય તેનો અર્થ એ નથી કે યુરોપના કેટલાક દેશો અમેરિકાના ખંડિયા દેશોની જેમ વર્તે છે, તેમ ભારત પણ વર્તે. ભારત સ્વતંત્ર દેશ છે અને મજબૂત દેશ છે. તેની અવગણના કરવાનું અમેરિકા વિચારી શકે નહિ. ભારતે પણ થોડી તકલીફ ભોગવીને અમેરિકાને મેસેજ આપવો રહ્યો કે યુરોપના બચૂકડા દેશો સુરક્ષા માટે તમારી પર નિર્ભર હોય એટલે તમારા ખંડિયા રાજ્યની જેમ વર્તે. ભારતને તેવી જરૂર નથી. ભારતની મદદ અમેરિકા કરશે તેવી આશા રાખવી પણ વ્યર્થ છે, કેમ કે ગમે તેવા સંજોગોમાં પણ અમેરિકા પાકિસ્તાનને પોતાના ખોળામાંથી હેઠું ઉતારવાનું નથી.

ઇરાન સાથે ભારત સંબંધો બગાડી શકે નહિ, કેમ કે પાકિસ્તાનના પૂર્વમાં એક ઇસ્લામી મિત્ર દેશ ભારતને સ્ટ્રેટેજિક ફાયદો કરાવે છે. ચાબહર બંદરનો દાખલો છે જ. પાકિસ્તાને ચીનને બંદર વિકસાવવા આપ્યું, તેની સામે ઇરાને ભારતને તેની નજીકમાં જ ચાબહર બંદર આપ્યું છે. પાકિસ્તાનમાં થઇને ગેસની પાઇપલાઇન શક્ય નથી, નહિતો ઇરાન ઉપરાંત મધ્ય એશિયાના મુસ્લિમ દેશોને પણ ભારતમાં ગેસ મોકલવાની ઇચ્છા છે. આવી ગેસ પાઇપલાઇન પાકિસ્તાનને પણ આર્થિક ફાયદો કરાવી શકે છે, પણ તે સમજવા માટે ત્યાં સેનાના જડબુદ્ધિ શાસકોની જગ્યાએ સમજદાર ચૂંટાયેલા મજબૂત શાસકોની જરૂર છે.ભારત તેની રાહ જોઈને બેસી ના રહી શકે. ભારતે ઇરાનમાંથી ઓઇલની આયાત કરવાનું ચાલુ રાખવું જરૂરી છે. આર્થિક કારણોસર અને સ્ટ્રેટેજિક કારણોસર. આ ઉપરાંત અમેરિકા અને દુનિયાને મેસેજ આપવા માટે કે ભારતને દબાણમાં લાવીને કોઈ કામ થઈ શકે નહિ. ભારતના સહકાર વિના સામુહિક કોઈ નિર્ણય ના લઇ શકાય તેટલો મેસેજ આપવો જરૂરી છે.લડાઇ અમેરિકા અને ઇરાનની હોય કે અમેરિકા અને રશિયાની હોય કે અમેરિકા અને ચીનની હોય, ભારતનો વચ્ચે ખો નીકળી જવો જોઈએ નહિ. આ દિવા જેવી ચોખ્ખી વાત છે. અમેરિકા, રશિયા અને ચીનના પોતપોતાના વૈશ્વિક હિતો છે, તેમ ભારતના પણ વૈશ્વિક હિતો છે અને ભારતે તેને જાળવી રાખવા માટે મક્કમ બનીને લડવું પડશે. થોડો સમય આંતરિક સમસ્યાઓને કોરાણે મૂકીને અને થોડું આર્થિક નુકસાન ભોગવીને પણ ભારતે અમેરિકાના ટ્રેડ વોરનો અને ઇરાન સામેના પ્રતિબંધોનો સામનો કરવો પડશે તે નક્કી છે.