અવિશ્વાસ દરખાસ્ત પૂર્વે બજાર ફ્લેટ : સેંસેક્સમાં થયેલો ઘટાડો

અવિશ્વાસ દરખાસ્ત પૂર્વે બજાર ફ્લેટ : સેંસેક્સમાં થયેલો ઘટાડો
નિફ્ટી ઇન્ડેક્સ ૨૩ પોઇન્ટ ઘટીને ૧૦૯૫૭ની નીચી સપાટી ઉપર : આઈટી અને ફાર્મા શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો : બેંકિંગ શેરોમાં અફડાતફડીનો માહોલ

એજન્સી દ્વારા
મુંબઇ,તા. ૧૯
શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૨૨ પોઇન્ટ ઘટીને ૩૬૩૫૧ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૦૯૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. આઈટી અને ફાર્માના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એસબીઆઈ, બેંક ઓફ બરોડા જેવી પીએસયુ બેંકમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. આવતીકાલે શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થનાર છે. ત્યારબાદ મતદાન પણ થનાર છે. મોનસુન સત્રના પ્રથમ દિવસે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે આ દરખાસ્ત લાવવામાં આવી હતી. આજે ઇન્ટ્રા ડેના ગાળા દરમિયાન મિડકેપના શેર મિન્ડટ્રીમાં ૧૨.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ફોટેકમાં પણ ઘટાડો રહ્યો હતો. એફએમસીજી ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. હોલસેલ પ્રાઈઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો હાલમાં જારી કરવામાં આવ્યો હતો. શાકભાજી અને ફ્યુઅલની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જૂન મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઉપર આધારીત ફુગાવો વધીને ૫.૭૭ ટકા સુધી પહોંચી ગયો હતો. મે મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારીત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ૪.૪૩ ટકા રહ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ આંકડો ૦.૯૦ ટકા હતો. કંપનીના પરિણામનોને લઇને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ઘોષિત થશે. આઇપીઓ બજારમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સૌથી પહેલા ટીસીએનએસ ક્લોથિંગ દ્વારા ૧૧૨૫ કરોડના આઈપીઓની શરૂઆત કરવામાં આવનાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્‌સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે.પ્રવાહી સ્થિતી હોવાના કારણે કારોબારી રોકાણઁના મુડમાં નથી. બીએસઈ સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૧૪૭ પોઇન્ટ ઘટીને ૩૬૩૭૩૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૦ની સપાટીએ રહ્યો હતો. ૮૦ અબજ રૂપિયાની મૂડી પીએનબી સહિત છ બેંકોમાં ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી હતી. નિરવ મોદી કૌભાંડના પરિણામ સ્વરુપે પીએનબી બેંક હચમચી ઉઠી હતી. સરકાર તરફથી ૮૦ અબજ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવનાર છે.