આજે સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણઃ 104 વર્ષ બાદ શ્રેષ્ઠ નજારો, પૃથ્વીની છાયામાં ચંદ્રનું રક્તસ્નાન

શુક્રવારે, એટલે કે આજની રાત્રે આકાશમાં 104 વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. પૂર્ણ ગ્રહણનો સમયગાળો 1 કલાક અને 43 મિનિટનો રહેશે. ગ્રહણ દરમ્યાન પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર લાલ અથ‌‌વા ભૂખરા રંગનો થઈ જશે, જેના કારણે તે બ્લડ મૂન નામે ઓળખાય છે. સમગ્ર ભારત સહિત આફ્રિકા, મધ્ય પૂર્વ સહિત દક્ષિણ એશિયાના દેશોમાં નરી આંખે આ ગ્રહણ નિહાળી શકાશે. એના માટે કોઈ અલગ ઉપકરણની જરૂર નથી, ચંદ્ર ગ્રહણજોવાથી આંખોને નુકસાન થતું નથી. આજે રાત્રે વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા છે. જો એમ થશે તો ઇન્ટરનેટ પર વિવિધ વેબસાઇટ્સ પર ચંદ્ર ગ્રહણનું લાઇવ સ્ટ્રીમીંગ નિહાળી શકાશે.જીવનમાં ક્યારેક જ જોવા મળે એવી અદભુત રોમાંચક ખગોળીય ઘટના

જ્યારે ચંદ્ર બરાબર ધરતીની પાછળ આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. એવું ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ક્રમમાં લગભગ એક સીધી રેખામાં હોય. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જતી હોય છે. જેને લીધે ચંદ્રગ્રહણ માત્ર પૂનમના દિવસે જ થતું હોય છે. જોકે દરેક પૂનમે ગ્રહણ નથી થતું. આ ખગાળીય ઘટનાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. લોકો શુકન અને અપશુકનના રૂપમાં પણ જોતા હોય છે. આની અસર જન્મ કુંડળીમાં 12 રાશિઓ અને ગ્રહો પર પણ પડતી હોવાની લોકોમાં માન્યતાઓ છે.

ગુરુપૂર્ણિમાના દિવસે દુર્લભ ચંદ્રગ્રહણ

પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે ચંદ્ર ઢંકાઈ જાય છે. આમ તો આપણે એકમથી પૂનમ સુધી ચંદ્રને ધીમે ધીમે મોટો થતો જોઇએ છીએ તે પણ પૃથ્વીનો પડછાયો જ છે. પરંતુ પૂનમને દિવસે ચંદ્ર ઢંકાઇ જાય તેને ચંદ્ર ગ્રહણ કહે છે એટલે ચંદ્રગ્રહણ પૂનમને દિવસે જ થાય છે.

 દેશના લગભગ તમામ ભાગોમાં ગ્રહણ જોઇ શકાશે. છ મહિનાના જ સમયગાળામાં 2018નું બીજું અને અંતિમ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.

 ગ્રહણ દરમ્યાન ચંદ્રની સપાટી પર કેટલાક હૉટ સ્પૉટ હોય છે. જ્યાં આસપાસની જગ્યા કરતાં તાપમાન વધુ હોય છે. સૂર્યની ઊર્જા સ્ટોર થવાથી આમ બને છે.

ગ્રહણનો કુલ સમય – 
3 કલાક 54 મિનિટ 33 સેકંડ

સૂતક પ્રારંભ – 27 જુલાઇ, બપોરે 2.54 વાગ્યે
સૂતક સમાપ્તિ – 28 જુલાઇ પરોઢે 3.48.59 વાગ્યે

ચંદ્રગ્રહણનો સમય

27 જુલાઇ: 11.54.26 PM થી
28 જુલાઇ: 03.48.59 AM સુધી

હવે ક્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ?
2019ની 20-21 જાન્યુઆરીએ. સૌથી લાંબુ પૂર્ણ ચંદ્ર ગ્રહણ 82 વર્ષ પછી 2100 માં થશે.

બ્લડ મૂન શું હોય છે?

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલાશ પડતો દેખાય છે તેથી તેને બ્લડ મૂન કહે છે. પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર જ્યારે ધરતીની છાયામાં હોય છે ત્યારે એની આભા લાલ થાય છે. એવું ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ધરતીના પડછાયામાં ઢંકાઇ જાય છે. એવામાં પણ સૂર્યના કિરણો વિખેરાઈને થઇ ચંદ્ર સુધી પહોંચી જાય છે.