ઇન્ડેક્સ પાંચ મહિનાની ઉંચી સપાટીએ રહેતા કારોબારી ખુશખુશાલ બજારમાં તેજી : સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટીએ

ઇન્ડેક્સ પાંચ મહિનાની ઉંચી સપાટીએ રહેતા કારોબારી ખુશખુશાલ
બજારમાં તેજી : સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટીએ
નિફ્ટી ૯૪ પોઇન્ટ ઉછળીને ૧૦૯૪૭ની ઉંચી સપાટી ઉપર રહ્યો : ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ, કોલ ઇન્ડિયા તેમજ વિપ્રોના શેરમાં જોરદાર તેજી જામી

મુંબઇ,તા. ૧૦
શેરબજારમાં આજે તીવ્ર તેજી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ પાંચ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને કોલ ઇન્ડિયાના શેરમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી. મૂડીરોકાણકારો હવે કોર્પોરેટ કમાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટીસીએસના આંકડા સૌથી પહેલા જારી કરવામાં આવી રહ્યા છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૬૨૪૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૬૦૦૦ની સપાટી કુદાવી હતી જ્યારે નિફ્ટી ૧૦૯૪૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૯૪ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. જિંદાલ સ્ટેઇનલેસ અને હિન્ડાલ્કોમાં તેજી જામી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. યુનિટેક અને ડીએલએફના શેરમાં તેજી જામી હતી. બીએસઈમાં માર્કેટ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને કોલ ઇન્ડિયા તથા વિપ્રોના શેરમાં સૌથી તેજી રહી હતી. છેલ્લા ત્રણ સપ્તાહના ગાળા દરમિયાન સૌથી ઉંચી સપાટી વૈશ્વિક તંત્રમાં જોવા મળી રહી છે. આજે તેલની કિંમતોમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રુડની કિંમત ફરીએકવાર વધી રહી છે. મધ્યપૂર્વમાં પ્રવર્તી રહેલી તંગદિલી અને તેલ ઉત્પાદન કરતા દેશોમાં ખલેલની અસર પણ દેખાઈ રહી છે. ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. જૂન મહિના માટે યુએસ કોર ફુગાવાનો આંકડો ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અને આઈઆઈપીના ડેટા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે.ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. સરકાર દ્વારા ગુરુવારના દિવસે મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલસ્ટ્રીટમાં અસર જોવા મળી રહી છે. સેંસેક્સ ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે ૨૭૭ પોઇન્ટ ઉછળીને ૩૫૯૩૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૩ની સપાટીએ રહ્યો હતો.હાલમાં પ્રવાહી સ્થિતી છે.