એન્ટિ-ટ્રસ્ટ લૉનો ભંગ કરવા બદલ EUએ ગૂગલને રૂપિયા અધધ 34 હજાર કરોડ દંડ ફટકાર્યો

એન્ટિ-ટ્રસ્ટ લૉનો ભંગ કરવા બદલ EUએ ગૂગલને રૂપિયા અધધ 34 હજાર કરોડ દંડ ફટકાર્યો

સર્ચ એન્જીન ગૂગલને એન્ડ્રોઇડ સ્માર્ટફોન સિસ્ટમમાં પોતાની પોઝિશનનો દૂરુપયોગ (એન્ટિ-ટ્રસ્ટ લૉનો ભંગ) કરવા બદલ યુરોપીયન યુનિયનના રેગ્યુલેટર્સે 5 અબજ ડોલર (આશરે રૂ.34.3 હજાર કરોડ)નો રેકોર્ડ સર્જક દંડ કર્યો છે. આના પગલે બ્રુસેલ્સ અને વોશિંગ્ટન વચ્ચે ટકરાવ પેદા થવાનું જોખમ છે. EUના કોમ્પિટિશન કમિશનર માર્ગારેટ વેસ્ટેજર બ્રુસેલ્સમાં યોજાનારી એક કોન્ફરન્સ દરમિયાન આ દંડની જાહેરાત કરી શકે છે.

દરમિયાન, એક અહેવાલ અનુસાર, ગૂગલે યુરોપીયન યુનિયનના એન્ટિ-ટ્રસ્ટ ફાઇન સામે અપીલ કરશે એવું જણાવ્યું છે. યુરોપીયન કમિશને કહ્યું છે કે ગૂગલે ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં તેના એન્ડ્રોઇડ માર્કેટ ડોમિનન્સનો દૂરુપયોગ કર્યો છે. ગૂગલ તેના સર્ચ એન્જિન અને ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ વધારવા માટે પોતાના ડોમિનન્સનો ખોટો ઉપયોગ કરી રહી છે.

ગૂગલે આપ્યો જવાબ

યુરોપીયન યુનિયનના દંડના નિર્ણય પછી ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ તેની આલોચના કરતા જણાવ્યું છે કે ઇયુએ એ હકીકતને નજરઅંદાજ કરી છે કે ગૂગલની એન્ડ્રોઇડ સિસ્ટમ એપ્પલની iOS ઓપરેટિંગ સિસ્ટમને ટક્કર આપી રહી છે. ગૂગલના બ્લોગપોસ્ટ પર સુંદર પિચાઇનો એક આર્ટિકલ છે જેનું હેડિંગ છે – એન્ડ્રોઇડે વધુ ઓપ્શન્સ આપ્યા છે, ઓછા નહિ. આજે એન્ડ્રોઇડના કારણે દરેક કિંમતે 1,300 અલગ અલગ કંપનીઓની 24,000થી વધારે ડિવાઇસ ઉપલબ્ધ છે.

ફોન મેન્યુફેક્ચર્સ સાથે ગૂગલની મનમાનીનો આરોપ

ગૂગલ પર એવો પણ આરોપ છે કે તેણે એવા ફોન ઉત્પાદકોને બ્લોક કર્યા છે કે જેમણે એન્ડ્રોઇડના ફોર્ક વર્જન પર ચાલતા ફોન બનાવ્યા છે અને કેટલાક મોટા મેન્યુફેક્ચરર્સ તથા મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સને હેન્ડસેટ્સમાં ગૂગલ સર્ચનો ખાસ રીતે ઉપયોગ કરવા બદલ ચુકવણી કરી છે. યુરોપીયન યુનિયન કમિશન હવે એવું ઇચ્છે છે કે ગૂગલ 90 દિવસની અંદર આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ કરી દે. એટલે કે ગૂગલે મેન્યુફેક્ચરર્સને હેન્ડસેટ્સમાં ગૂગલ પ્લે સ્ટોર ઓફર કરવા માટે પરાણે ક્રોમ અને ગૂગલ સર્ચ પ્રી-ઇન્સ્ટોલ કરાવવાનું બંધ કરવું પડશે. ગૂગલે ફોન ઉત્પાદકોને એન્ડ્રોઇડના ફોર્ક્ડ વર્જન્સનો ઉપયોગ કરતા રોકવાનું પણ બંધ કરવું પડશે. કેમકે કમિશન કહે છે કે `ગૂગલે એવો કોઇ વિશ્વસનીય પૂરાવો પૂરો પાડ્યો નથી કે જેનાથી ફોર્ક્ડ એન્ડ્રોઇડ ટેકનિકલ રીતે નુકસાન કરે છે અથવા એપ્સને સપોર્ટ કરતું નથી.’