કલમ ૩૭૭ પર કોઇ સ્ટેન્ડ લેવાનો કેન્દ્ર સરકારનો ઇન્કાર કલમ ૩૭૭ : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો

કલમ ૩૭૭ પર કોઇ સ્ટેન્ડ લેવાનો કેન્દ્ર સરકારનો ઇન્કાર
કલમ ૩૭૭ : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો
૩૭૭ હેઠળ સહમતિથી પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે નિર્ણય લેવાનો ફેંસલો સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દેવામાં આવ્યો

નવીદિલ્હી,તા. ૧૧
સજાતિય સંબંધોને અપરાધની હદમાં રાખવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણરીતે સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, ૩૭૭ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ જ નિર્ણય કરી શકે છે. ૩૭૭ હેઠળ આ કોઇ અપરાધ છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લઇ શકે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી કહ્યું હતું કે, અમે ૩૭૭ની કાયદેસરતાના મામલાને સુપ્રીમ કોર્ટ ઉપર છોડી રહ્યા છીએ પરંતુ સુનાવણી માટેની હદ વધે છે કે સરકાર એફિડેવિટ દાખલ કરશે. ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચેે સુનાવણી હાથ ધરી હતી. આજે પણ આ મામલામાં સુનાવણી જારી રહી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો બે પુખ્તવયના લોકો વચ્ચે પારસ્પરિક સહમતિ સાથે સંબંધો સ્થાપિત થાય છે તો તેને અપરાધ તરીકે ગણી શકાય નહીં અને સાથે સાથે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટથી એવી અપીલ કરી હતી કે, સજાતિય લગ્ન, સંપત્તિ અને પૈત્રુક અધિકારો જેવા મુદ્દા ઉપર વિચારણા કરવામાં ન આવે કારણ કે, આનાથી અનેક પ્રતિકુળ પરિણામો આવશે. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જોડાયેલી કલમ ૩૭૭ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યા છીએ. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે પોતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ ૩૭૭ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ ૩૭૭ પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ૩૭૭ હેઠળ સહમતિ સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે પોતે નિર્ણય કરે. સુનાવણી દરમિયાન જો હદ વધે છે જેમ કે લગ્ન અથવા તો લીવઇનનો મામલો આવશે તો અમે અલગથી એફિડેવિટ દાખલ કર્યું છે. અરજી કરનારના વકીલ મેનકા ગુરુ સ્વામીએ કહ્યું હતું કે, કલમ ૩૭૭ એલજીબીપી સમુદાયના સમાનતાના અધિકારને ખતમ કરે છે. લેસ્બિયન, ગે, બાઇસેક્સયુલ અને ટ્રાન્સજેર સમુદાયના લોકોને કોર્ટ, બંધારણ અને દેશથી સુરક્ષા મળવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, સજાતિય સમુદાયના લોકો પ્રતિભામાં ઓછા નથી અને આ સમુદાય સાથે જોડાયેલા લોકો આઈએએસ, આઈઆઈટી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે કહ્યું હતું કે, સુનાવણી કલમ ૩૭૭ની બંધારણીયતા ઉપર જ મર્યાદિત રહેવી જોઇએ. બીજી બાજુ ચીફ જસ્ટિસે કેન્દ્રની રજૂઆત બાદ કહ્યું હતું કે, કલમ ૩૭૭ની કાયદેસરતા ઉપર જ સુનાવણી થઇ રહી છે. અન્ય કોઇ અધિકાર ઉપર થઇ રહી નથી. બંધારણીય બેંચે કહ્યું હતું કે, ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને જુએ છે. ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દઇને કલમ ૩૭૭ હેઠળ સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણાવીને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. પુખ્તવયના લોકો વચ્ચે બિનકુદરતી સંબંધોને અપરાધ તરીકે ગણાવીને ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોર્ટે અગાઉ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી સંબંધોને અપરાધની શ્રેણીથી બહાર રાખવાનો ચુકાદો આપ્યો હતો જેને સુપ્રીમ કોર્ટે બદલી નાંખ્યો હતો.